દાદરમાં ફેરિયાઓને વ્યવસાય કરવાની છૂટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિવાળીના તહેવાર દરમિયાન દાદરમાં રસ્તા અને ફૂટપાથ પર બેસેલા ફેરિયાઓ સામેની કાર્યવાહીને રોકી દેવાની સૂચના મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકરે આપી છે. ફેરિયાઓ દ્વારા મંગળરે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વિરોધ કર્યા બાદ માનવતાના ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દાદર એ શોપિંગ કરવા માટે મુંબઈગરાનું માનીતું સ્થળ છે. વેસ્ટર્ન, સેન્ટ્રલ લાઈનને જોડતા દાદર શાકભાજી અને ફૂલ બજારથી ઘેરાયેલું છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો દાદર આવતા હોય છે. દિવાળીના તહેવારની ખરીદી માટે દરરોજ મોટી માત્રામાં લોકો અહીં ખરીદી માટે ઉમટી રહ્યા છે. દુકાનોની સાથે જ રસ્તા તથા ફૂટપાથ પર બેસેલા ફેરિયાઓ પાસે ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. મહત્ત્વના રસ્તા ગણાતા રાનડે રોડ અને ડિ સિલ્વિા રોડ પણ મોટી માત્રામાં ફેરિયાઓ બેસે છે તેને કારણે રાહદારીઓને ચાલવામાં પણ ભારે તકલીફ થાય છે.
રાહદારીઓની સાથે જ વાહનચાલકોને થઈ રહેલી તકલીફને પગલે પાલિકાના જી-દક્ષિણ વોર્ડ દ્વારા ફેરિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં રાનડે રોડ અને એમ. સી. જાવલે રોડ પરથી ૭૯ ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની કાર્યવાહીને કારણે ગુસ્સે ભરાયેલા ફેરિયાઓનું એક જૂથે મંગળવારે સાંજે દાદર સ્ટેશનની બહાર આંદોલન કર્યું હતું, તેની નોંધ પાલક પ્રધાને લીધી હતી અને તેમણે દિવાળીના સમય પૂરતું ફેરિયાઓને માનવતાને ધોરણે ધંધો કરવા દેવાની સૂચના પાલિકા પ્રશાસનને આપી હતી.
પાલક પ્રધાને કહ્યું હતું કે દિવાળીને તહેવારને ધ્યાનમાં રાખીને ફેરિયાઓે છેલ્લા બે મહિનાથી તૈયારી કરી હતી. તેઓ મોટા પ્રમાણમાં સામાન વેચવા માટે લાવ્યા છે, તેમનો સામાન જપ્ત કરવામાં આવશે તો તેમને ભારે નુકસાન થશે. તેથી માનવતાના ધોરણે તેમને ધંધો કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ દિવાળી બાદ તેમણે જાતે પોતાનું સામાન દૂર કરવાનું રહેશે.