Fadnavis VS Deshmukh: દેશમુખ સાથેના વિવાદમાં ફડણવીસના સમર્થકો આવ્યા, પૂછયાં સવાલો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સભ્ય શ્યામ માનવ અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપો મૂક્યા અને પોતાની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો છે ત્યારે ભાજપ તેમ જ મહાયુતિ (એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર)ના ભાજપના સાથી પક્ષો ફડણવીસના બચાવમાં ઉતર્યા છે.
ફડણવીસના બચાવમાં ઉતરી ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે સહિત ભાજપના અન્ય વિધાનસભ્યોએ અનિલ પરબને અનેક સવાલો પૂછ્યા છે અને મહાવિકાસ આઘાડીની સરકારે ફડણવીસ સહિત ભાજપના નેતાઓને ખોટી રીતે ફસાવી તેમની ધરપકડ કરવાનું કાવતરું રચ્યું હોવાના આરોપ પણ કર્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના પણ ફડણવીસના બચાવમાં ઉતરી હતી અને મહાવિકાસ આઘાડીની સરકાર કાવતરું રચનારી સરકાર હોવાનો આરોપ મૂક્યો હતો.
કંગના, અર્નબ, રાણેની જેમ ફડણવીસની ધરપકડનું ચક્રવ્યૂહ
દેશમુખ અને શ્યામ માનવે કરેલા આરોપ બાદ ભાજપના સાથીપક્ષો પણ ફડણવીસના બચાવમાં આવ્યા છે. એકનાથ શિંદે જૂથની શિવસેનાએ પણ ફડણવીસ પરના આરોપ ફગાવ્યા હતા. શિંદે જૂથના પ્રધાન દિપક કેસરકરે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીની સરકાર ચક્રવ્યૂહ રચી રહી હતી. તેમણે કંગના રનૌત, નારાયણ રાણે, અર્નબ ગોસ્વામીની જેમ ફડણવીસની પણ ધરપકડ કરવાનો કારસો રચ્યો હતો.
આ પણ વાંચો :Fadanvis VS Deshmukh: ફડણવીસ પર આરોપ મૂકનારા શ્યામ માનવે શું કહ્યું જાણો?
ગૃહ પ્રધાન પર દબાણ! મગજ છે કે નહીં?: ભાજપ
ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ મહાવિકાસ આઘાડી પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમની સરકાર હતી ત્યારે દેશમુખ ગિરીશ મહાજન, ફડણવીસ અને અન્ય ભાજપના નેતાઓ વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા. જ્યારે ફડણવીસે તેમના પર દબાણ કર્યું ત્યારે તેમણે શા માટે કાર્યવાહી ન કરી. એ ગૃહ પ્રધાન હતા. શું ગૃહ પ્રધાન પર કોઇ સહેલાઇથી દબાણ લાવી શકે? શું લોકોમાં મગજ નથી? લોકોને ભરમાવવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે.
બે વર્ષ કેમ ચૂપ રહ્યા?
ભાજપના વિધાનસભ્ય રામ કદમે પરબના આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે જો તમારા આરોપો સાચા હોય તો બે વર્ષ સુધી કેમ તમે ચૂપ રહ્યા? વિધાનસભાની ચૂંટણી નજીક છે એટલા માટે ખળભળાટ મચાવવા ખોટા આરોપો લગાવાઇ રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ ભગવાનના વ્યક્તિ છે. ચૂંટણીને જોઇ તેમની છબી ખરડાવવા માટે આ એક કાવતરું છે.
…તો ત્રણ કલાકમા પુરાવા રજુ કરી કરીશું
અનિલ દેશમુખે તેમની પાસે રહેલી પેન ડ્રાઇવમાં ફડણવીસ વિરુદ્ધ વીડિયો પુરાવા હોવાનો દાવો કર્યો ત્યારબાદ ભાજપના મહિલા પ્રદેશાધ્યક્ષ ચિત્રા વાઘે દેશમુખ સામે પુરાવા જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે અનિલ દેશમુખ ખાલી પેન ડ્રાઇવ બતાવી રહ્યા છે. તે ફડણવીસ વિરુદ્ધ પુરાવા જાહેર કરે. તે પુરાવા જાહેર કરશે તેના ત્રણ જ કલાકમાં દેશમુખ વિરુદ્ધના પુરાવા અમે જાહેર કરીશું અને તેમની ઑડિયો ક્લિપ્સ મહારાષ્ટ્રની જનતા સમક્ષ જાહેર કરીશું.