આમચી મુંબઈ

ફડણવીસે લીધી પૂરગ્રસ્ત નાગપુરની મુલાકાત, લોકોનો રોષ વહોરી લેવો પડ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સવારે પૂરગ્રસ્ત નાગપુરની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને મળ્યા હતા. ફડણવીસના વતન નાગપુરમાં આવી સ્થિતિ સર્જાવા માટે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. સુવિધાના અભાવે પૂરની સ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપ સાથે નાયબ મુખ્ય પ્રધાને લોકોનો રોષ વહોરી લેવો પડ્યો હતો.
ફડણવીસ સાથે ભાજપના ભૂતપૂર્વ નગરસેવકો અને અન્ય નેતાઓ પણ હતા. લોકો પોતાનો રોષ ઠાલવવા માટે ફડણવીસની સવારથી જ રાહ જોઇ રહ્યા હતા. ભાજપના કાર્યકરો અને નેતાઓએ ફડણવીસને અમુકના ઘરમાં જ લઇ ગયા હતા.
અમુક લોકો ફડણવીસની કારની સામે આવીને જોરજોરથી બોલવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ અને કાર્યકરોએ તેમને દૂર કર્યા હતા.
નાગપુરમાં ત્રણ કલાકમાં 109 મિલિમીટર વરસાદ પડ્યો હતો જ્યારે શુક્રવારની મોડી રાતે બે વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી 90 એમએમ વરસાદ પડ્યો હતો. તેથી નાગપુરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. પ્રશાસન દ્વારા તાત્કાલિક નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને તેના રાજ્યના સમકક્ષ એસડીઆરએફ દ્વારા વિદર્ભના સૌથી મોટાં શહેરમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું હતું.
`ઓછામાં ઓછા 10,000 ઘરને અસર પહોંચી છે. ઘરોમાં કાદવ જમા થઇ ગયો છે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્તોને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઇનું કામ પણ શરૂ કરી દેવાયું છે. મોટા પ્રમાણમાં અહીં નુકસાન થયું છે. આગાહી કરતા વધુ વરસાદ પડ્યો હોવાથી પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી’, એમ ફડણવીસે જણાવ્યું હતું.
જો પહેલાથી પગલાં લેવાયાં હોત તો નુકસાન બહુ ઓછું થાત. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું, પરંતુ આટલા ઓછા સમયમાં વધુ વરસાદ પડશે એવું આપણે વિચાર્યું પણ નહોતું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ફડણવીસે અંબાઝરી તળાવની મુલાકાત લીધી હતી જે વધુ વરસાદ પડવાને કારણે છલકાઇ ગયું હતું. નાગ નદીની સંરક્ષણ દીવાલને પણ ઘણું નુકસાન પહોંચ્યું હોવાને કારણે તેને ફરી બાંધવી પડશે. અંબાઝરી તળાવ છલકાય તો માળખાને ઓછું નુકસાન થાય તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવાઇ રહ્યા છે, એમ ફડણવીસે કહ્યું હતું.

શનિવારે મોડી રાતે ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા નાગપુરની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજવામાં આવી હતી. (પીટીઆઇ)

અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઇ,
દવા વિતરણ શરૂ કરાયું
નાગપુર પાલિકાના કમિશનર અભિજિત ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રશાસને ઘરોમાંથી અને રસ્તાઓ પરથી કાદવ-માટી દૂર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ સિવાય પાલિકા દ્વારા લોકોમાં 11,000 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું, કારણ કે પૂરને કારણે ઘરોમાં પાણી ભરાઇ ગયું હોવાથી લોકોને ખાવાના ફાંફા પડ્યા હતા. આ સિવાય અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેથી ડેન્ગ્યૂ, મેલેરિયા જેવા પાણીજન્ય રોગચાળો ફેલાતા અટકાવી શકાય. પાણી શુદ્ધ કરવા માટે ક્લોરિન લિક્વિડનું વિતરણ કરાયું હતું, એમ તેમણે કહ્યું હતું. પાણીમાં ખરાબ થઇ ગયેલા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ખરાબ થઇ ગયેલી ઘરવખરીઓ સમું કરવા માટે પણ પગલાં લેવાઇ રહ્યા છે. અમુક વિસ્તારોમાં હજી પણ અંધારપાટ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજળી પાછી આવી ગઇ છે.
નુકસાનનું પંચનામું બનાવાશે
જિલ્લા કલેક્ટરના સહયોગથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલું નુકસાન થયું છે તેનું પંચનામું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેના આધારે લોકોને વળતર, અન્ય લાભો આપવામાં આવશે, એમ પાલિકાના કમિશનરે જણાવ્યું હતું. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button