ચૂંટણી પંચ પરના વિપક્ષી આક્ષેપો ફેક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ: ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતાઓએ બુધવારે ભારપૂર્વક એવી માગણી કરી હતી કે રાજ્યમાં મતદાર યાદીઓ સંપૂર્ણ રીતે સુધારવામાં ન આવે ત્યાં સુધી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ન યોજવામાં આવે, અને કહ્યું કે ચૂંટણી માટે ‘અત્યંત ચેડા કરાયેલ, ખામીયુક્ત અને છેડછાડ કરાયેલ’ મતદાર યાદીઓનો ઉપયોગ લોકશાહીના મુલ્યોને નુકસાન પહોંચાડશે. વિપક્ષ પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફેક નેરેટિવ સેટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વિપક્ષે બુધવારે કહ્યું કે તેઓ તેમના આંદોલનના આગામી તબક્કાની જાહેરાત કરતા પહેલા સત્તાવાર પ્રતિભાવ માટે થોડા દિવસ રાહ જોશે.
આ પણ વાંચો: ભૂપતિની શરણાગતિ મહારાષ્ટ્રમાં નક્સલવાદના અંતનો પ્રારંભ: ફડણવીસ…
આ બધા જ ઘટનાક્રમ પર બોલતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મતદારોની યાદીમાં કથિત વિસંગતીઓ અંગે સવાલ ઉઠાવવા માટે વિપક્ષ અને ઉચ્ચ ચૂંટણી અધિકારીઓ વચ્ચેની બેઠકો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા એક ફેક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ હતો અને આ વાતચીતોને ફિયાસ્કો ગણાવી હતી.
સોલાપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, ‘આ બેઠકો પાલિકાની ચૂંટણીઓ પહેલા એક નેરેટિવ તૈયાર કરવા માટે છે. હાર સ્વીકારવા અને લોકો વચ્ચે જવાને બદલે, વિપક્ષ બંધારણીય સંસ્થાઓ પર હુમલો કરી રહ્યો છે.’
‘આ બેઠકોનો ફિયાસ્કો થયો છે કારણ કે વિપક્ષી નેતાઓને ખબર નહોતી કે કયા સવાલો પૂછવા અને કોને પૂછવા. ડુપ્લિકેટ મતદારોના નામો કોઈ નવો મુદ્દો નથી, તેઓ સત્તામાં હતા ત્યારે પણ આ મુદ્દા અસ્તિત્વમાં હતા,’ એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે કહ્યું હતું કે મહાયુતિ ગઠબંધન સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ જીતશે કારણ કે ‘લોકો અમારી સાથે છે.’