જૂતા મારો આંદોલન કરનારી એમવીએને દેવેન્દ્ર ફડણવીસે ફટકારી, કર્યા આ સવાલો

મુંબઇઃ સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ તૂટી પડી હતી. આ ઘટના બાદ મહારાષ્ટ્રની મહાયુતિ સરકારની ઘણી ટીકા થઈ રહી છે. મહાવિકાસ આઘાડી (MVA)એ મહારાષ્ટ્ર સરકારને શિવદ્રોહી ગણાવીને મુંબઈમાં વિરોધ માર્ચ અને ‘જૂતા મારો’ આંદોલન શરૂ કર્યું છે અને આ ઘટનાનો વિરોધ કર્યો છે. આ આંદોલનને લઈને હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. ફડણવીસે કહ્યું છે કે આ તમામ આંદોલન એક દેખાડો છે. કોંગ્રેસે ઘણી વાર શિવાજીનું અપમાન કર્યું છે, શું તેઓ માફી માંગશે? એવો સવાલ પણ દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યો છે.
છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રનું ગૌરવ છે… અમે તેમનું અપમાન સહન નહીં કરીએ, એમ કહેતા મહાવિકાસ આઘાડીના સેંકડો કાર્યકરો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ ‘જય ભવાની, જય શિવાજી’ના નારા લગાવતા હતા. સેંકડો કાર્યકરોએ ગેટ વે ઓફ ઈન્ડિયા તરફ કૂચ કરી હતી અને ગદ્દારોને ક્ષમા નથી, શિવાજી પ્રત્યે ગદ્દારી કરનારાને માફી નહીં મળે તેવી નારેબાજી કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટીકા કરી છે કે આ આંદોલન રાજકીય હેતુઓથી પ્રેરિત છે. MVAનું આંદોલન સંપૂર્ણપણે રાજકીય આંદોલન છે. MVAએ કે કોંગ્રેસે છત્રપતિ શિવાજીનું ક્યારેય સન્માન કર્યું નથી. લાલ કિલ્લા પરથી પંડિત નેહરુ, ઈન્દિરા ગાંધીએ આપેલા ભાષણોમાં ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું નામ આવતું નહોતું. પંડિત નેહરુએ તેમના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં છત્રપતિ શિવાજીનું અપમાન કર્યું હતું. શું MVA અને કોંગ્રેસ પાર્ટી આ માટે માફી માંગશે? એવો સવાલ દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યો હતો.
આ પણ વાંચો :જૂતા મારો આદોલનમાં સામેલ થયા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારઃ રાજકારણ ગરમાયું
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે,”જ્યારે કમલનાથ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને બુલડોઝરથી હટાવી દેવામાં આવી હતી. શું કોંગ્રેસ આ માટે માફી માંગશે? કર્ણાટકમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી. શું કોંગ્રેસ તેના માટે માફી માંગશે? આઝાદી પછી આ જ કોંગ્રેસે શીખવ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું. છત્રપતિ શિવાજીએ સુરતને ક્યારેય લૂંટ્યું નથી. ઉલટું સુરતના લોકોએ ત્યાં છત્રપતિની પ્રતિમા સ્થાપિત કરી છે, છતાં કોંગ્રેસે લોકોને શીખવ્યું છે કે છત્રપતિ શિવાજીએ સુરતને લૂંટ્યું હતું. શું કોંગ્રેસ આ માટે માફી માંગશે? કોંગ્રેસ સતત શિવાજીનું અપમાન કરી રહી છે. પહેલા તેણે જ દેશ અને આખી દુનિયાના શિવાજી ભક્તોની માફી માંગવી જોઈએ.” એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.