ધનંજય મુંડેની તપાસ આવશ્યક નથી: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના પ્રકરણને કારણે રાજ્યના પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામું આપવું પડ્યું છે ત્યારે તેમની તપાસ આ કેસમાં થઈ શકે છે? એવા સવાલનો જવાબ શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો.
ફડણવીસે કહ્યું હતું કે ચાર્જશીટમાં બે બાબતો સ્પષ્ટ થઈ છે, આમાં ધનંજય મુંડેનું ક્યાંય નામ નથી અને વાલ્મિક કરાડ કેસનો મુખ્ય આરોપી છે. મારી નજીકનો કોઈ વ્યક્તિ કોઈ ગુનો આચરે એટલે મારી તપાસ કરવી પડે એવું કશું જ નથી. આખી ઘટનામાં મારા વિરુદ્ધ કોઈ પુરાવો હોય તો જ મારી તપાસ કરવી પડે. આવો પુરાવો હજી સુધી કોઈએ આપ્યો નથી.
આ પણ વાંચો : ધનંજય મુંડેના રાજીનામા પર ફડણવીસની સ્પષ્ટતા
જો તાણી-તુસીને કોઈ કામ કરવામાં આવે તો અદાલત તેને તોડી પાડશે. ધનંજય મુંડેના રાઈટ હેન્ડે મુખ્ય આરોપી તરીકે કામ કર્યું હોવાથી તેમણે રાજીનામું આપ્યું છે. હું આજે પણ કહું છું કે કોઈપણ વ્યક્તિ પુરાવા લાવીને આપે કે આ પ્રકરણ સાથે ધનંજય મુંડેને સંબંધ છે તો તેની તપાસ કરવાની અમારી પૂરી તૈયારી છે.
ધનંજય મુંડેનું રાજીનામું કેમ લેવામાં આવ્યું એવા સવાલનો જવાબ આપતાં એક મરાઠી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે આ કેસનો મુખ્ય આરોપી વાલ્મિક કરાડ ધનંજય મુંડેનો રાઈટ હેન્ડ હતો અને તેણે વર્ષોથી ધનંજય મુંડેનું રાજકારણ સંભાળ્યું હતું. આ સ્થિતિમાં તેણે કરેલા ક્રુર કૃત્ય અંગે લોકોની નારાજી હતી અને તેથી મહારાષ્ટ્રની જનતાની અપેક્ષા હતી કે મુંડેએ પશ્ર્ચાતાપ તરીકે રાજીનામું આપવું જોઈએ અને તેથી જ નૈતિકતાના ધોરણે તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું.