દેવેન્દ્ર ફડણવીસે પોતાના સ્વ-પ્રચારમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું: હર્ષવર્ધન સપકાળ

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના પ્રચાર માટે વિવિધ સ્થળોએ પોસ્ટર લગાવ્યા છે. પરંતુ દેવભાઉ લખેલા આ પોસ્ટરો યોગ્ય જગ્યાએ લગાવવા જોઈતા હતા, કારણ કે તેમના પર છત્રપતિ શિવાજી મહારાજની છબી છે. કેટલાક પોસ્ટરો કચરા અને ગંદકીથી ભરેલી અસ્વચ્છ જગ્યાએ લગાવવામાં આવ્યા છે. પ્રભાદેવી રેલવે સ્ટેશન તરફ જતી ગલીમાં લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટરો ખૂબ જ ખરાબ હાલતમાં છે. કેટલેક સ્થળે લોકો પોસ્ટર પર થૂંકી રહ્યા છે, એમ જણાવતાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે ફડણવીસ સ્વ-પ્રચારના મોહમાં મહારાષ્ટ્રના પૂજનીય દેવતાનું અપમાન કરાવી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ, તમારા પોતાના પ્રચાર માટે મહારાજનું આ રીતે અપમાન કેમ થઈ રહ્યું છે? તમને એવા પોસ્ટર લગાવવાનો અધિકાર કોણે આપ્યો જ્યાં લોકો થૂંકે છે અને કચરો ફેંકે છે? શું આ જાણી જોઈને કરવામાં આવ્યું છે? એવો સવાલ પૂછતાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના નેતાઓ જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું સતત અપમાન કરે છે તે જોતાં, આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હોવાની શક્યતાને નકારી શકાય નહીં એમ તેમણે જણાવ્યું હતું.