આમચી મુંબઈ

દિશા સાલિયન કેસ પર ફડણવીસનું નિવેદન, સરકાર કોર્ટના આદેશ મુજબ કાર્ય કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુનો મામલો પાંચ વર્ષ પછી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. દિશાના પિતાએ વિનંતી કરી છે કે તેમની પુત્રીના મૃત્યુની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. સતીશ સાલિયને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલાની નવેસરથી તપાસની માગણી કરી છે. આ અરજીમાં દિશા સાલિયનના પિતાએ ઠાકરે જૂથના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરે વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગણી કરી છે. આના કારણે સત્તાધારી અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ઘણા દાવા અને પ્રતિદાવા કરવામાં આવ્યા છે. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિશા સાલિયન કેસ પર પહેલીવાર પ્રતિક્રિયા આપતાં, સરકારની સ્થિતિ સ્પષ્ટ રીતે રજૂ કરી છે.

દિશા સાલિયન કેસમાં વકીલ નીલેશ ઓઝાએ ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા છે અને મોટી માગણી કરી છે. આદિત્ય ઠાકરે અને ડીનો મારિયો બેથી ત્રણ કલાક સુધી દિશા સાલિયનના ફ્લેટ પર હતા. આવી કેટલીક ગુપ્ત બાબતો પ્રકાશમાં આવી છે, જેના કારણે આદિત્ય ઠાકરેની તાત્કાલિક ધરપકડ થઈ શકે છે અને થવી જોઈએ. આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી અને અન્ય લોકો સામે ગેંગરેપ અને હત્યા જેવી વિવિધ કલમો હેઠળ કેસ નોંધવા જોઈએ. કસ્ટડી લેવી જોઈએ. તેમનો લાઇ ડિટેક્ટર, નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવો જોઈએ. ઓઝાએ કહ્યું હતું કે અમારી મુખ્ય માગણી એ છે કે આરોપીઓને મૃત્યુદંડ મળે. દિશાના પિતા સતીશ સાલિયને પણ મીડિયા સાથે વાતચીત કરતી વખતે ઘણા દાવા અને ગંભીર આરોપો લગાવ્યા હતા.

આ પણ વાંચો: દિશા સાલિયન મૃત્યુ કેસના વિધાનસભામાં પ્રત્યાઘાત; આદિત્ય ઠાકરેની ધરપકડની જોરદાર માગણી…

આ ઘટનાક્રમના પગલે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ બધી ચર્ચા કોર્ટમાં કરવામાં આવેલી અરજીને કારણે શરૂ થઈ હતી. એક વકીલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. દિશા સાલિયનના પિતાએ પણ એક ઇન્ટરવ્યુ આપ્યો છે. આ સંદર્ભમાં સરકારની ભૂમિકા સ્પષ્ટ છે. કોર્ટ શું કહે છે? તેઓ કોર્ટમાં કયા પુરાવા આપી રહ્યા છે? આ આગામી ભૂમિકા હશે. આ હાલમાં સરકાર કે પોલીસ સ્તરે કોઈ મુદ્દો નથી. સરકાર જે-તે સમયે કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના આધારે અથવા કોર્ટમાં કોઈ નવા પુરાવા કે તથ્યો આવશે તો તેના આધારે નિર્ણય લેશે.
દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી કે અમે હાલ કોર્ટના આદેશ પર નજર રાખી રહ્યા છીએ.

દરમિયાન, 14મા માળેથી પડી ગયા પછી પણ દિશાના શરીરને એક પણ ઈજા કેવી રીતે ન થઈ? આ પ્રશ્ર્ન દિશા સાલિયનના પિતાએ ઉઠાવ્યો હતો. આ આધારે, તેઓએ આરોપ લગાવ્યો છે કે દિશાએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. તેમના વકીલોએ આ કેસમાં સીધા આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને સૂરજ પંચોલીને આરોપી તરીકે નામ આપીને ખળભળાટ મચાવી દીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button