ભાષા પેનલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પહેલાથી પાંચમા ધોરણ માટે હિન્દી ફરજિયાત બનાવવાના નિર્ણયને રદ કરવાની વિનંતી કરી…
ફડણવીસે રાજ્યમાં હિન્દી ભાષા ‘લાદવા’ અંગેની ચિંતાઓને ફગાવી દીધી, મરાઠીને પ્રાધાન્ય આપવાનો દાવો કર્યો

પુણે: મહારાષ્ટ્ર સરકારની ભાષા પરામર્શ સમિતિએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાના નિર્ણયને રદ કરવા વિનંતી કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, ફડણવીસે રવિવારે રાજ્યમાં હિન્દી ભાષાના ‘લાદવા’ અંગેની ચિંતાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે મરાઠી ફરજિયાત રહેશે.
રાજ્ય સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ત્રણ ભાષાના સૂત્રને લાગુ કરવા માટે મંજૂરી આપી છે. તે મુજબ, તેમણે અંગ્રેજી અને મરાઠી-માધ્યમની શાળાઓમાં પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત બનાવ્યો છે.
ભાષા પરામર્શ સમિતિના વડા લક્ષ્મીકાંત દેશમુખે રવિવારે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં એવો દાવો કર્યો હતો કે રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એસસીઈઆરટી)એ હિન્દીને પ્રોત્સાહન આપતા પહેલા તેમના વિચારો અને સૂચનો પર વિચાર કર્યો નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ભાષાના મુદ્દાઓ પર સલાહ આપવા માટે ભાષા પરામર્શ સમિતિની નિમણૂક કરી છે, પરંતુ એસસીઈઆરટીએ પેનલને ધ્યાનમાં લીધી નથી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કોઈપણ ભાષાને ફરજિયાત બનાવવામાં આવી નથી. તેનાથી વિપરીત, એનઈપી જણાવે છે કે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. તેથી, હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવી યોગ્ય નથી એમ આ પત્રમાં કહેવામાં આવ્યું છે. શિક્ષણના કોઈપણ તબક્કે હિન્દીને ફરજિયાત બનાવવી જોઈએ નહીં. તેના બદલે શક્ય તેટલો ઓછો હિન્દીનો ઉપયોગ કરવાની નીતિ અપનાવવી જોઈએ એમ પણ આ પત્રમાં કહેવામાં આવ્યું છે.
હિન્દી રોજગાર, આવક, પ્રતિષ્ઠા અથવા જ્ઞાનની ભાષા નથી, એમ પણ પત્રમાં કહેવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રધાનને હિન્દી અંગેના નિર્ણયને રદ કરવા વિનંતી કરવામાં આવી છે. વિપક્ષો, ખાસ કરીને શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં હિન્દી લાદવામાં આવી રહી છે. અહીં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું હતું કે, એવું કહેવું ખોટું છે કે હિન્દી લાદવાના પ્રયાસો થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મરાઠી ફરજિયાત રહેશે.
બીજી કશું બંધનકારક નહીં હોય. આપણે એ સમજવાની જરૂર છે કે મરાઠીને બદલે હિન્દી ફરજિયાત બનાવવામાં આવી નથી. મરાઠી ભાષા ફરજિયાત જ છે, એમ તેમણે કહ્યું હતું. ફડણવીસે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓને શીખવવામાં આવતી ત્રણ ભાષાઓમાંથી બે ભારતીય ભાષાઓ હોવી જોઈએ. નવી શિક્ષણ નીતિએ ત્રણ ભાષાઓ શીખવાની તક પૂરી પાડી છે. ભાષાઓ શીખવી મહત્વપૂર્ણ છે.
નિયમમાં જણાવાયું છે કે આ ત્રણ ભાષાઓમાંથી બે ભારતીય હોવી જોઈએ. મરાઠી પહેલેથી જ ફરજિયાત બનાવવામાં આવી રહી છે. તમે હિન્દી, તમિલ, મલયાલમ અથવા ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા લઈ શકતા નથી, એમ પણ મુખ્ય પ્રધાને કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ભલામણો મુજબ હિન્દી ભાષા માટે શિક્ષકો ઉપલબ્ધ છે. અન્ય (પ્રાદેશિક) ભાષાઓના કિસ્સામાં, શિક્ષકો ઉપલબ્ધ નથી, એમ તેમણે જણાવ્યું હતું.
ફડણવીસે ભારતીય ભાષાઓ અને અંગ્રેજી પ્રત્યે લોકોની ધારણા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. મને એક વાતથી આશ્ર્ચર્ય થાય છે. હિન્દી જેવી ભારતીય ભાષાઓનો વિરોધ કરવામાં આવે છે પણ અંગ્રેજીની તરફેણ કરીએ છીએ. ઘણા લોકોને કેમ લાગે છે કે અંગ્રેજી તેમની નજીક છે અને ભારતીય ભાષાઓ દૂર છે? આપણે આ વિશે પણ વિચારવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો : શિક્ષણમાં ત્રણ ભાષાને મંજૂરી આપી મહારાષ્ટ્રમાં ભાજપ ફસાયું?