આમચી મુંબઈ

સહકારી મંડળીઓ કાયદામાં સુધારાની ભલામણ કરવા માટે ફડણવીસે પેનલની જાહેરાત કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી જાહેરાત કરી હતી કે સહકારી મંડળીઓ સંબંધી કાયદામાં ફેરફારોની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને સહકારી સંસ્થાઓની કામગીરીને મજબૂત બનાવવા માટે એક પેનલની રચના કરવામાં આવશે. ફડણવીસે કહ્યું હતું કે, રાજ્ય સરકાર એવા રસ્તાઓ શોધશે જેનાથી સારી કામગીરી કરતી સહકારી બેંકોને સરકારી ખાતાઓનું સંચાલન કરવાની મંજૂરી મળી શકે.

એક જાહેર સમારંભમાં બોલતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ‘અમે હાલના કો-ઓપરેટિવ સોસાયટીસ એક્ટમાં ફેરફારોની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરીશું અને હાલની સહકારી મંડળીઓને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે અભ્યાસ કરવા અને રાજ્ય સરકારને ભલામણો કરવા માટે બીજી સમિતિની રચના કરવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, રાજ્યમાં લગભગ પચાસ ટકા સહકારી મંડળીઓ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ છે અને રાજ્ય સરકારે તેમને સંચાલિત કરતા નિયમોમાં ફેરફારો અને સુધારા રજૂ કર્યા છે.

ફડણવીસે એમ પણ કહ્યું હતું કે સરકાર ગૃહનિર્માણ ક્ષેત્રમાં સેલ્ફ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને સમર્થન આપી રહી છે અને સ્વ-પુન:વિકાસ માટે જવા ઇચ્છતી ગૃહ નિર્માણ સોસાયટીઓને વિવિધ પ્રકારની છૂટછાટો અને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે આવી હાઉસિંગ સોસાયટીઓને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) તરફથી સંભવિત સહાય વિશે પણ વાત કરી.

‘પહેલાં, એનસીડીસી ફક્ત ગ્રામીણ વિસ્તારોમાં જ કાર્યરત હતું. અમે ફેરફારો રજૂ કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર ખાતાના પ્રધાન અમિત શાહ સાથે આ અંગે ચર્ચા કરી. એકવાર એનસીડીસીને સ્વ-પુન:વિકાસ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે મુક્તિ મળશે, પછી તે સોસાયટી માલિકોને એનસીડીસી તરફથી રાહત દરે નાણાં મેળવવામાં મદદ થશે,’ એમ તેમણે સમજાવ્યું હતું.

મુખ્ય પ્રધાને મહારાષ્ટ્રના સહકાર મોડેલની આંતરરાષ્ટ્રીય માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે વિશ્વ બેંકે તેના તાજેતરના અહેવાલમાં રાજ્યમાં પ્રાથમિક કૃષિ સહકારી સોસાયટીઓના પ્રદર્શનથી સંતોષ વ્યક્ત કર્યો છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં સુરક્ષાની તમામ સાવચેતીઓ લેવામાં આવી છે: ફડણવીસ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button