ફડણવીસનો પવારને પત્ર નવાબ મલિકને લેવા શક્ય નથી
મુંબઈ: એનસીપીના વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની ગુરુવારે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે નાગપુરમાં હાજરી અને તેઓ એનસીપીના કયા જૂથમાં જોડાશે તેનો ખુલાસો થયા બાદ મહાયુતિમાં ચકમક સર્જાઇ શકે એવી શક્યતા છે. વિરોધી પક્ષના નેતા અંબાદાસ દાનવેએ નવાબ મલિકના અજિત પવાર જૂથમાં જોડાવા અંગે પ્રશ્ર્નાર્થ કરીને દેવેન્દ્ર ફડણવીસને સાણસામાં લેવાની કોશિશ કરી હતી. જોકે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને નવાબ મલિકનો મહાયુતિમાં સમાવેશ થઇ શકે નહીં એવું ચોખ્ખું ને ચટ કહી દીધું છે.
નવાબ મલિક જેલમાંથી બહાર નીકળ્યા બાદ પોતાની નાદુરસ્ત તબિયતને લીધે દેખા નહોતા દેતા, પણ ગુરુવારે વિધાનસભા શિયાળુ અધિવેશનના પ્રથમ દિને જ હાજરી આપીને સૌને આશ્ર્ચર્યમાં મૂકી દીધા હતા. તેઓ એનસીપીના કયા જૂથમાં જોડાશે એ અંગે અનેક તર્કવિતર્કો થઇ રહ્યા હતા ત્યારે નવાબ મલિકે અજિત પવારની પાટલીમાં બેસીને એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ અજિત પવાર જૂથના સભ્ય છે.
જોકે નવાબ મલિક અજિત પવાર જૂથમાં જોડાય એનો અર્થ એ થયો કે તેમનો ભાજપ-શિવસેના (એકનાથ શિંદે)ની સરકારમાં સમાવેશ થયો. જોકે આ વાત ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જચી નથી અને તેમણે અજિત પવારને એક પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે નવાબ મલિકને યુતિમાં લેવા એ શક્ય નથી. દેશદ્રોહી સાથે સંબંધ હોવાના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હોવા છતાં તેમને પ્રધાનપદ પર કાયમ રાખવાના તત્કાલીન મુખ્ય પ્રધાન અને મહાવિકાસ આઘાડી સરકારના વિચારો સાથે અમે સહમત નથી, એવું ફડણવીસે જણાવ્યું હતું.
‘સત્તા તો આવે અને જાય, પણ દેશ મહત્ત્વનો’
સત્તા તો આવે અને જાય, પણ સત્તા કરતાં દેશ મહત્ત્વનો છે… એવી કેપ્શન આપીને ફડણવીસે ટ્વિટર અને ફેસબુક પર અજિત પવારને લખેલો પત્ર પોસ્ટ કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભાના સભ્ય નવાબ મલિક ગુરુવારે વિધાનસભા પરિસરમાં આવીને કામકાજમાં સહભાગી થયા હતા. વિધાનસભાના સભ્ય તરીકે તેમનો એ અધિકાર છે. જોકે હું તમને પહેલાં જ જણાવી દઉં કે અમારી તેમની સાથે કોઇ વ્યક્તિગત દુશ્મની કે પછી કોઇ વેર નથી. જોકે તેમના પર જે પ્રકારના આરોપ છે તેને જોતાં તેમને મહાયુતિમાં લેવા શક્ય નથી, એવો મારો મત છે.