‘ઉદ્ધવજી, અહીં આવો’: ફડણવીસની વિધાન પરિષદમાં ખુલ્લી ઓફર, બીજી તરફ રાજ ઠાકરે પોતાના ભાઈ સાથેના ગઠબંધન પર ચૂપ
ફડણવીસે કહ્યું, 2029 સુધી અમારે માટે ત્યાં (વિપક્ષ) જવાનો કોઈ અવકાશ નથી, તમે આ બાજુ (શાસક પક્ષ) આવવાનું વિચારી શકો છો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. વિધાન પરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને શાસક પક્ષમાં જોડાવા માટે જાહેર આમંત્રણ આપી દીધું હતું. ફડણવીસે બુધવારે હસતાં હસતાં કહ્યું કે ‘29 સુધી અમારે ત્યાં આવવાનો કોઈ અવકાશ નથી… પણ ઉદ્ધવજી, તમને અહીં (શાસક પક્ષ) સામેલ કરવાનું વિચારી શકાય છે.’ ફડણવીસે કદાચ આ હળવી મજાક કરી હશે, પરંતુ તેના ઘણા ઊંડા રાજકીય અર્થ નીકળી શકે છે. ફડણવીસની ઓફર પર ઉદ્ધવે વિધાન ભવન સંકુલમાં કહ્યું હતું કે, ‘આ બધી વાતો મજાકમાં થઈ રહી હતી, તેને મજાક તરીકે જ રહેવા દો…’
બીજી તરફ, રાજ ઠાકરેના મૌનથી ચકચાર વધી
એક તરફ ફડણવીસે ઉદ્ધવને જાહેરમાં આમંત્રણ આપ્યું હતું ત્યારે બીજી તરફ બુધવારે જ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથેના સંભવિત જોડાણ અંગે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મીડિયાએ તેમના નામે એવા નિવેદનો ચલાવ્યા હતા જે તેમણે આપ્યા પણ નહોતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના સંકેત? ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દરેકર વચ્ચે મૈત્રીપૂર્ણ વાતચીત, હાથ મિલાવવાની ઓફર
રાજ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે, ઇગતપુરીમાં આયોજિત મનસે અધિકારીઓની પરિષદ દરમિયાન પત્રકારો સાથે અનૌપચારિક વાતચીત થઈ હતી. ‘જ્યારે મને શિવસેના (યુબીટી) સાથેના જોડાણ વિશે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે મેં હળવાશથી કહ્યું કે શું હવે મારે તમારી (મીડિયા) સાથે જોડાણની રણનીતિ પર ચર્ચા કરવી જોઈએ?’ તેમણે એમ પણ કહ્યું કે કેટલાક પત્રકારોએ આ નિવેદનને વિકૃત રીતે રજૂ કર્યું અને દર્શાવ્યું કે મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલાં જોડાણની શક્યતા પર વિચાર કરવામાં આવશે.
રાજ ઠાકરેએ કહ્યું કે અનૌપચારિક વાતચીતને ‘નિવેદન’ તરીકે રજૂ કરવી પત્રકારત્વની ગરિમાની વિરુદ્ધ છે. તેમણે પત્રકારોને એવી પણ સલાહ આપી કે તેઓ પણ 1984થી પત્રકારત્વ સાથે જોડાયેલા છે અને કેટલાક લોકોનું વર્તન યોગ્ય નથી. જોકે આ બધાની પાછળ ઉદ્ધવ સાથેના ગઠબંધન માટે તેઓ તૈયાર ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: બંને ઠાકરેની સંયુક્ત સભા પછી ઊભા થયા પાંચ સવાલ: મહારાષ્ટ્રને ક્યારે મળશે જવાબ?
ઠાકરે ભાઈઓની દુર્લભ જુગલબંધી
ઉદ્ધવ અને રાજ ઠાકરે બે દાયકા પછી પાંચમી જુલાઈના રોજ યોજાયેલા ‘વિજય ઉત્સવ’ના મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ મંચથી રાજકીય વર્તુળોમાં એવી અટકળો વધુ તીવ્ર બની હતી કે ઠાકરે પરિવારના બંને જૂથો ફરી એકવાર સાથે આવી શકે છે, ખાસ કરીને મુંબઈ અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાં. પરંતુ જ્યારે ઉદ્ધવ આ જોડાણને લઈને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, ત્યારે રાજ ઠાકરેએ હાલ માટે મૌન ધારણ કર્યું છે. અધુરામાં પૂરું આ મંચ પર ભેગા દેખાવાને રાજ ઠાકરેએ રાજકીય ચશ્મામાંથી ન જોવાનું જણાવતાં એવું માનવામાં આવી રહ્યું છે કે હજી સુધી યુતિ માટે રાજ ઠાકરે તૈયાર નથી.
આવી સ્થિતિમાં હવે ઉદ્ધવ ઠાકરે ફડણવીસના ખુલ્લા આમંત્રણ પર કેવી રીતે વિચાર કરે છે તે જોવાનું રહેશે.