કેબિનેટ પ્રધાન વિરુદ્ધ રાજ્યપ્રધાનના વિવાદમાં ફડણવીસની એન્ટ્રી, તેમણે કોનો પક્ષ લીધો? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કેબિનેટ પ્રધાન વિરુદ્ધ રાજ્યપ્રધાનના વિવાદમાં ફડણવીસની એન્ટ્રી, તેમણે કોનો પક્ષ લીધો?

કેબિનેટ પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાન બંને સરકારનો ભાગ છે એમ જણાવતાં કહ્યું કે બધી સત્તા મિસાળ પાસે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સામાજિક ન્યાય ખાતાના કેબિનેટ પ્રધાન સંજય શિરસાટ અને સામાજિક ન્યાય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળ વચ્ચે અધિકારીઓની બેઠક યોજવા અંગે થયેલા વિવાદમાં હવે મુખ્ય પ્રધાન ફડણવીસની એન્ટ્રી થઈ છે.

આ બંને પ્રધાનો વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી પત્ર યુદ્ધ શરૂ થયું હતું. શિરસાટે તેમની પરવાનગી વિના બેઠકો ન યોજવી જોઈએ અને બેઠકો યોજવી હોય, તો તે તેમની અધ્યક્ષતામાં હોવી જોઈએ, એવો કડક પત્ર માધુરી મિસાળને લખ્યો હતો.

મિસાળે પણ એ જ ભાષામાં જવાબ આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે, આવી બેઠકો યોજવાનો તેમને અધિકાર છે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે આ માટે શિરસાટની પૂર્વ પરવાનગી આવશ્યકતા નથી. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ વિવાદમાં ઉતર્યા છે.

આપણ વાંચો: શિવસેનાના પ્રધાન સંજય શિરસાટનો ‘રોકડ થેલી’નો વીડિયો વાયરલ, તેમનો બચાવ કે બેગમાં ફક્ત કપડાં છે

ફડણવીસે સંજય શિરસાટ દ્વારા લખાયેલા પત્ર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈએ આવો પત્ર લખીને વિવાદ ન ઉભો કરવો જોઈએ. પ્રધાનોએ એકબીજા સાથે વાત કરવી જોઈએ. જો તેમને કોઈ સમસ્યા હોય, તો તેમણે મને આવીને જણાવવું જોઈએ. સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનો બંને સરકારનો ભાગ છે. બધી સત્તાઓ પ્રધાનો પાસે છે.

ફડણવીસે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે પ્રધાનો દ્વારા આપવામાં આવતી સત્તાઓ હેઠળ રાજ્યકક્ષાના પ્રધાનોની કેટલીક સત્તા છે, એમાં કોઈ શંકા નથી. જોકે, આડકતરી રીતે તેમણે શિરસાટની ટીકા કરી છે.

તેમણે કહ્યું હતું કે ‘એવું માનવું ખોટું છે કે રાજ્યકક્ષાના પ્રધાનોને બેઠકો યોજવાનો અધિકાર નથી. બેઠકો યોજવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે. એમ કહીને તેમણે ભાજપના પ્રધાન માધુરી મિસાળનો બચાવ કર્યો હતો.

આપણ વાંચો: સંજય શિરસાટ ‘રોકડની થેલી’ સાથે જોવા મળ્યા બાદ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ટીકાનો ભોગ બન્યા

વધુમાં તેમણે કહ્યું હતું કે, જો આવી બેઠકોમાં કોઈ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે તો તે પ્રધાન સાથે વાત કર્યા વિના લેવા જોઈએ નહીં. અથવા જો આવા નિર્ણયો લેવામાં આવે છે, તો પ્રધાનોની મંજૂરી લેવી જોઈએ. કેબિનેટ પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાનોએ સુમેળ દાખવવો જોઈએ.

ઠાકરે બંધુઓને મારી શુભેચ્છા

ઠાકરે બંધુઓના એક થવા પર તેમણે કહ્યું હતું કે, આ આનંદની વાત છે, ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે રાજ ઠાકરે તેમને શુભેચ્છા પાઠવવા ગયા તે આનંદની વાત છે. તમે આમાં રાજકારણ કેમ જુઓ છો? અમે પણ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવીએ છીએ. આમાં રાજકારણ જોવું યોગ્ય નથી, એમ તેમણે કહ્યું.

વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મનમાં શું છે તે તમે જોયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મનમાં શું છે તે તમે જોશો. ફડણવીસે ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે એવું કહેવું યોગ્ય નથી કે કેટલાક પક્ષના નેતાઓના મનમાં જે છે તે મહારાષ્ટ્રના લોકોના મનમાં છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button