
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવેલા દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનપદ તો પારિભાષિક વ્યવસ્થા છે અને આગામી મહાયુતિ સરકાર સાથીઓ એકનાથ શિંદે અને અજિત પવારને સાથે લઈને કામ કરશે.
આ પણ વાંચો : માત્ર સીએમ અને બે ડેપ્યુટી સીએમ શપથ લેશે
રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનની મુલાકાત કર્યા બાદ એકનાથ શિંદે અને અજિત પવારની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે અમે ત્રણેય સાથે એકતાપુર્વક કામ કરીશું. હું અને બે નાયબ મુખ્ય પ્રધાનો શપથ ગ્રહણ કરીશું. કેટલા પ્રધાનો શપથ લેશે તે હજી નક્કી કરવાનું બાકી છે.
રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનશે કે નહીં એવા સવાલોના જવાબ આપ્યા નહોતા, પરંતુ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે તેઓ ગુરુવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આ સમયે કટાક્ષ કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘તેઓ અનુભવી છે. તેઓ વહેલી સવારમાં પણ શપથ લઈ શકે છે અને સાંજે પણ.’ આને પગલે હાજર બધામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
ફડણવીસે એવી માહિતી આપી હતી કે શિવસેના અને એનસીપી ઉપરાંત રાષ્ટ્રીય સમાજ પક્ષ, જનસુરાજ્ય શક્તિ પાર્ટી, યુવા સ્વાભિમાની પક્ષના રવિ રાણા અને અન્ય બે અપક્ષ વિધાનસભ્યોએ તેમને ટેકો આપ્યો છે.
શપથ ગ્રહણનો સમય સાંજે 5.30 વાગ્યાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
અજિત પવારે કહ્યું હતું કે નવી સરકાર એક થઈને કામ કરસે. શિંદેએ કહ્યું હતું કે તેઓ અઢી વર્ષના મુખ્ય પ્રધાનના કાર્યકાળથી સંતુષ્ટ છે, જેમાં અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસના એજેન્ડાને આગળ ધપાવવામાં આવ્યો હતો.
અમે એક ટીમ તરીકે કામ કરીશું. હવે અમારી જવાબદારી વધી છે, કેમ કે જનતાએ અત્યંત જંગી બહુમત આપ્યો છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
અજિત પવારે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ દિલ્હીમાં ખાનગી કામ માટે ગયા હતા, પરંતુ એના એવા સમાચાર ચલાવવામાં આવ્યા કે આજે મુલાકાત નકારી, આવતીકાલે મુલાકાત આપશે. સાચું કહું તો હું તેમને મળવા માટે ગયો જ નહોતો. સુનેત્રા પવાર સંસદસભ્ય છે અને તેમને 11 જનપથ પર ફાળવવામાં આવેલા બંગલામાં શું સુધારા કરી શકાય તે માટે આર્કિટેક્ટને લઈને ગયો હતો. અમિત શાહને મળવા માટે ગયો જ નહોતો તો તેમણે મુલાકાત નકારી હોવાની વાત ક્યાંથી આવી?
એકનાથ શિંદેએ એક અન્ય પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે અઢી વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે હું મુખ્ય પ્રધાન બનું તે માટે ભલામણ કરી હતી, આજે મેં શિવસેનાનું તેમને સમર્થન હોવાનો પત્ર રાજ્યપાલને આપ્યો છે. મારી તબિયત સારી નહોતી અને અહેવાલો એવા કરવામાં આવ્યા છે કે હું નારાજ છું. જોકે, હવે સુમેળપુર્ણ વાતાવરણમાં સરકારનું સ્થાપન થઈ રહ્યું છે.
આ પણ વાંચો : મુંબઈમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા…
અમારામાં કોઈ નાનું કે કોઈ મોટું નથી. અમે ટીમ તરીકે કામ કરતા હતા. મને શું મળ્યું તે કરતાં મહારાષ્ટ્રને શું મળ્યું તે મોટો પ્રશ્ર્ન હતો. અઢી વર્ષમાં અમે મહારાષ્ટ્રમાં ખુબ કામ કર્યું છે અને ઈતિહાસમાં આ બધા નિર્ણયો સુવર્ણાક્ષરે લખાશે.