ઇલેક્ટ્રિક વાહનોને ટોલ મુક્તિ, પેસેન્જર ઇવી પર મોટી સબસિડી; રાજ્ય સરકારે નવી ઈવી નીતિને મંજૂરી આપી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય કેબિનેટની બેઠક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઘણા કેબિનેટ પ્રધાનોની હાજરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં, રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિને મંજૂરી આપી, જે હેઠળ અમુક ઇલેક્ટ્રિક વાહનોને પસંદગીના રસ્તાઓ પર ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે. ઉપરાંત, પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનો પર મોટી સબસિડી આપવામાં આવશે. ફડણવીસે કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી.
ફડણવીસે કહ્યું હતું કે, ‘રાજ્ય સરકારે નવી ઈવી (ઈલેક્ટ્રિકલ વેહિકલ) નીતિને મંજૂરી આપી છે. આ અંતર્ગત, પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનો માટે મોટી સબસિડી આપવામાં આવશે. પસંદગીના રસ્તાઓ પર ચોક્કસ પ્રકારના ઈવીને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધવું જોઈએ, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવો જોઈએ અને રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પર્યાપ્ત ચાર્જિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ, આ માટે રાજ્ય મંત્રીમંડળે નવી ઈવી નીતિને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.’
શિપબિલ્ડિંગ ક્ષેત્ર સંબંધિત નીતિને મંજૂરી
ફડણવીસે એવી પણ માહિતી આપી હતી કે, ‘ઈવી નીતિની સાથે, રાજ્ય સરકારે બીજી એક નીતિને મંજૂરી આપી છે. આ શિપબિલ્ડિંગ ક્ષેત્રને લગતી નીતિ છે. આપણા રાજ્યમાં, ત્રણેય ક્ષેત્રો શિપબિલ્ડિંગ, શિપ જાળવણી અને સમારકામ, અને રિસાયક્લિંગ/બ્રેકિંગમાં કાર્ય અને પ્રોજેક્ટ્સ વધવા જોઈએ. આનાથી રાજ્યમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે અને અર્થતંત્રને વેગ મળશે.
ફડણવીસે કહ્યું હતું કે, ‘આપણા રાજ્યમાં ત્રણ મુખ્ય બંદરો છે. મહારાષ્ટ્ર એકમાત્ર રાજ્ય છે જ્યાં 20થી વધુ નાના બંદરો છે. તેથી, જહાજ નિર્માણ વ્યવસાય આપણા રાજ્યમાં હોવો જોઈએ. આ ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ્સ આપણા રાજ્યમાં સ્થાપી શકાય છે. આ માટે, રાજ્ય સરકારે એક નીતિ તૈયાર કરી છે અને રાજ્ય કેબિનેટે આજની બેઠકમાં આ નીતિને મંજૂરી આપી છે.
આપણ વાંચો : ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સેક્ટરમાં 5 કરોડથી વધુ નોકરીનું સર્જન થશેઃ ગડકરીએ કર્યો મોટો દાવો