ગોહત્યા અને તસ્કરીના વારંવારના અપરાધીઓ સામે એમસીઓસીએ લાગુ કરવામાં આવશે: દેવેન્દ્ર ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે એવી જાહેરાત કરી હતી કે ગૌહત્યા અને ગોધનની તસ્કરીમાં વારંવાર સંડોવાયેલા લોકો સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરવામાં આવશે.
એમસીઓસીએ, 1999 કાયદો મહારાષ્ટ્રમાં સંગઠિત ગુનાઓ, માફિયા પ્રવૃત્તિઓ અને અંડરવર્લ્ડ કામગીરીનો સામનો કરવા માટે ઘડવામાં આવેલ એક ખાસ કાયદો છે. જ્યારે કોઈ જૂથ વારંવાર ખંડણી, હત્યા, અપહરણ, ડ્રગ્સની હેરફેર અથવા નાણાકીય લાભ માટે ગેરકાયદેસર વ્યવસાયો જેવા ગુનાઓમાં સામેલ થાય છે ત્યારે તે કાયદો લાગુ કરવામાં આવે છે.
નિયમિત કાયદાઓથી વિપરીત એમસીઓસીએમાં કડક સજા, વિસ્તૃત પોલીસ કસ્ટડી અને કડક જામીન શરતો રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં બોલતાં ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકાર ગાયની તસ્કરીના કેસોમાં બારીકાઈથી નજર રાખી રહી છે અને વારંવાર ગુનામાં સામેલ થનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો : નાગપુર હિંસાનો દોષ છાવા ફિલ્મને માથે નાખીને ફડણવીસ નબળાઈ દેખાડે છે: શિવસેના (યુબીટી)…
એનસીપીના વિધાનસભ્ય સંગ્રામ જગતાપ દ્વારા વિધાનસભામાં ધ્યાનાકર્ષક નોટિસ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે ગાયની તસ્કરીમાં વારંવાર સંડોવાયેલા ગુનેગાર અતિક કુરેશીના કેસ તરફ ધ્યાન દોર્યું હતું.
ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન (ગ્રામીણ) પંકજ ભોયરે ગૃહને એવી માહિતી આપી હતી કે કુરેશી સામે અહિલ્યાનગર જિલ્લામાં ગાયની તસ્કરીના 20 કેસ નોંધાયેલા છે. 20 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પહેલી માર્ચે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
ગૃહ વિભાગ સંભાળતા ફડણવીસે દરમિયાનગીરી કરી હતી અને ખાતરી આપી હતી કે કુરેશી જેવા રીઢા ગુનેગારો સામે એમસીઓસીએ લાદવા પોલીસને સૂચના આપવામાં આવશે.