ભારત જોડો યાત્રા પર ફડણવીસનો આરોપ કેન્દ્રની નિષ્ફળતા દર્શાવે છે: આદિત્ય ઠાકરે…
નાગપુર: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ શુક્રવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસની ભારત જોડો યાત્રાના સંદર્ભમાં કરેલા આરોપથી દેશમાં કાર્યરત આતંકવાદીઓ વિશે જાણ ન કરવામાં કેન્દ્રની નિષ્ફળતા દેખાય છે.
ફડણવીસે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સરકાર અને કેન્દ્રમાં મનમોહન સિંહ સરકાર દ્વારા શહેરી નક્સલવાદીઓના મહોરાંરૂપ સંગઠન તરીકે જાહેર કરેલા કેટલાક સંગઠનોએ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.
વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા, તેણે કહ્યું હતું કે મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર પરની ટિપ્પણી પછી થયો હતો.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (ભાજયુમો)ના કાર્યકરોએ ગુરુવારે મુંબઈમાં કોંગ્રેસની કચેરીમાં તોડફોડ કરી હતી અને દાવો કર્યો હતો કે આ જૂની પાર્ટી હંમેશા આંબેડકરનું અપમાન કરતી રહી છે.
બુધવારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આંબેડકર પર શાહની ટિપ્પણી બદલ તેમના પર હુમલો કર્યો અને તેમને પદ પરથી હટાવવાની માંગણી કરી હતી. જેના કારણે એક મોટો રાજકીય વિવાદ શરૂ થયો, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય ટોચના નેતાઓ તેમના બચાવમાં આવ્યા અને કહ્યું કે તેમણે કોંગ્રેસના ‘આંબેડકર વિરોધી’ વલણનો પર્દાફાશ કર્યો છે.
‘મને નથી લાગતું કે કાર્યાલયો પર હુમલો થવો જોઈતો હતો. ગૃહપ્રધાને સ્વીકારવું જોઈએ કે તેમના હૃદયમાં જે હતું તે તેમના મોંમાંથી નીકળ્યું હતું અને માફી માંગવી જોઈએ,’ એમ શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેના પુત્રે કહ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કર્ણાટકના કૉંગ્રેસી વિધાનસભ્યની માગણી: આદિત્ય ઠાકરેએ કહ્યું સહી નહીં લેવાય
તેમણે કહ્યું કે સંસદમાં થયેલી મારામારી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો તે મૂળ મૂદ્દાથી ધ્યાન અલગ દોરવાની યુક્તિ હતી.
‘આ બધી વિભિન્ન યુક્તિઓ છે, પરંતુ મને નથી લાગતું કે રાહુલ કે અમારામાંથી કોઈ ડરે છે. તમે અમારી સામે એફઆઈઆર દાખલ કરી શકો છો, અમે ડરતા નથી. અમે માંગ કરીએ છીએ કે તેઓ (શાહ) ગૃહ પ્રધાનપદેથી રાજીનામું આપી દે કારણ કે તેમણે ડો. આંબેડકરનું અપમાન કર્યું હતું,’ એમ પણ તેણે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે ભારત જોડો યાત્રા વિશે ફડણવીસના દાવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દેશમાં આતંકવાદીઓ વિશે જાણકારી રાખવામાં નિષ્ફળ રહ્યું હોવાનું સિદ્ધ થાય છે.
‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તેઓ (ફડણવીસ) કોંગ્રેસ, એનસીપી (એસપી) કે અન્ય કોઈ સંગઠન કે ભારત જોડો યાત્રા પર આરોપો લગાવી રહ્યા ન હતા. તેઓ ફક્ત એટલું જ કહેવા માંગતા હતા કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય છેલ્લા 10 વર્ષ કે અઢી વર્ષમાં નિષ્ફળ ગયું છે.
કારણ કે, જો તેમની પાસે આપણા દેશમાં કે દેશની બહાર કાર્યરત ઘણા આતંકવાદીઓ વિશે આ માહિતી છે અને ગૃહ પ્રધાનને તે ખબર નથી, તો તેમના (ફડણવીસ) આરોપો સીધા ગૃહ પ્રધાન વિરુદ્ધ છે, યાત્રા વિરુદ્ધ નહીં,’ એમ ઠાકરેએ કહ્યું હતું.