જાહેરાતોમાં ફક્ત મુખ્ય પ્રધાન ફડણવીસ: એકનાથ શિંદેએ શ્રેય લેવાની હોડ ન હોવાનો દાવો કર્યો
એક જાહેરાત અને મહાયુતિના બે ઘટકપક્ષો વચ્ચે વિવાદની ચર્ચા: શિંદેના મરાઠા અને ઓબીસી સમુદાયોને ન્યાય અપાવવામાં મહાયુતિ સરકારની સંયુક્ત ભૂમિકાની વાત દ્વારા શો સંકેત?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં શિંદે સેના અને ભાજપ વચ્ચે વારંવાર તણખા ઝરતા હોવાનું જોવા મળતું હોય છે. આ વખતે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યના મોટા ભાગના અખબારોના પહેલે પાને મોટી મોટી જાહેરાત પ્રસિદ્ધ થયેલી જોવા મળી હતી. જાહેરાતમાં છત્રપતિ શિવાજી મહારાજને ફૂલ અર્પણ કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જોવા મળે છે અને જાહેરાતમાં ફક્ત એક જ શબ્દ ‘દેવાભાઉ’ લખેલો જોવા મળે છે.
આ જાહેરાત દ્વારા મરાઠા સમાજના અનામત આંદોલનને ઉકેલવાનું શ્રેય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લેવામાં આવ્યું હોવાની છબી નિર્માણ થઈ હતી. આને પગલે શિંદે સેનામાં નારાજી હોવાનું જાણવા મળ્યું હતું, જોકે એકનાથ શિંદેએ શ્રેયવાદની લડાઈને નકારી કાઢી છે, પરંતુ તેમણે કરેલા નિવેદનમાં નારાજગીનો અંદાજ આપતું સૂચક નિવેદન કર્યું છે.
આપણ વાંચો: શિંદે સેના અને ભાજપના સ્ટાર પ્રચારકો સામે શરદ પવાર જૂથની ચૂંટણી પંચમાં ફરિયાદ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે એમ કહ્યું હતું કે કામનું શ્રેય લેવા માટે મહાયુતિના સાથીઓ વચ્ચે કોઈ સ્પર્ધા થતી નથી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે શનિવારના મોટા ભાગના અખબારોમાં એક જાહેરાતમાં ફડણવીસ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા દેખાય છે, આવી જ એક બીજી જાહેરાતમાં તેઓ 10 દિવસના ગણપતિ ઉત્સવના છેલ્લા દિવસે અનંત ચતુર્દશીના અવસરે ભગવાન ગણેશને નમસ્કાર કરતા દેખાય છે. બંને જાહેરાતોમાં નીચે ફક્ત મરાઠીમાં ‘દેવાભાઉ’ એમ એક જ શબ્દ લખવામાં આવ્યો છે.
આ જાહેરાતોને કોણે છપાવી છે તે જાણી શકાયું નથી. થાણેમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ જ્યારે આ મુદ્દે શિંદેને એવા સવાલ કરવામાં આવ્યા કે શું આ જાહેરાતો મુખ્ય પ્રધાન ફડણવીસ દ્વારા પોતાને મરાઠા અનામતના શિલ્પી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?
ત્યારે તેનો જવાબ આપતાં શિંદેએ કહ્યું હતું કે, ‘અમે શ્રેય લેવાની દોડમાં નથી… ભલે તે મરાઠા સમુદાય હોય કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાય, તેમને ન્યાય પહોંચાડવાનું કામ મહાયુતિ સરકારે કર્યું છે. આ કાર્યની પહોંચપાવતી ગઈ વિધાનસભાની ચૂંટણીમાં મળી ચૂકી છે.’
‘હવે દેવેન્દ્રજી અને મેં એક ટીમ તરીકે અમારી બીજી ઇનિંગ શરૂ કરી છે. અમારો એજન્ડા એ જ છે – રાજ્યનો વિકાસ અને ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવી,’ એમ તેમણે કહ્યું હતું.
મરાઠા અનામતનો મુદ્દો તાજેતરમાં ફરી એકવાર રાજ્યમાં ચકચાર પામ્યો હતો, જેમાં કાર્યકર્તા મનોજ જરાંગેએ માંગણી માટે દબાણ કરવા માટે મુંબઈમાં પાંચ દિવસની ભૂખ હડતાળ કરી હતી.
આપણ વાંચો: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મહારાષ્ટ્રિયન કે ગુજરાતીઃ આ બે નામની ચર્ચા છે જોરમાં
29 ઓગસ્ટે વિરોધ શરૂ કરનારા જરાંગેએ રાજ્ય સરકારે તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકાર્યા બાદ 2 સપ્ટેમ્બરે તેને પાછી ખેંચી લીધી હતી. મડાગાંઠ સમાપ્ત થયા પછી, ફડણવીસે કહ્યું હતું કે સરકારે મરાઠા સમુદાયના હિતમાં ઉકેલ શોધી કાઢ્યો છે. શાસક મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો સમાવેશ થાય છે.
મનોજ જરંગે પાટિલના આંદોલન બાદ, સરકારે જીઆર જારી કર્યો હતો. આ મરાઠા આંદોલનનો વિજય હોવાનું કહીને, જરાંગેએ તેને 75 વર્ષમાં સૌથી મોટી જીત ગણાવી. દરમિયાન, ભાજપના પ્રધાનોએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠાના મુદ્દાને ઉકેલ્યો અને તેનું શ્રેય ફડણવીસને આપ્યું હતુું.
જીઆરનું શ્રેય કોને આપવું તે અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે મહારાષ્ટ્રના અગ્રણી અખબારમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છત્રપતિ શિવાજી મહારાજને ફૂલો અર્પણ કરતા હોવાના ફોટા સાથે એક આખા પાનાની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં શિવાજી મહારાજની શાહી મહોર પણ હતી અને ઉપરાંત, જાહેરાતમાં ફક્ત ‘દેવાભાઉ’નો ઉલ્લેખ છે.
આ જાહેરાતમાં ખરેખર કોણે આપી હતી તેનો કોઈ ઉલ્લેખ નથી. જોકે, એવી ચર્ચા છે કે આ જાહેરાત આડકતરી રીતે એવું સૂચવવા માટે આપવામાં આવી હતી કે મરાઠા સમુદાયના અનામત મુદ્દાને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉકેલી દીધો છે.
ભાજપ હંમેશા કહેતું આવ્યું છે કે અનામત આપવાની પ્રક્રિયામાં ફડણવીસની મોટી ભૂમિકા છે. જોકે, આ જાહેરાતમાં અનામતનો સીધો ઉલ્લેખ ટાળવામાં આવ્યો છે તે હકીકતે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.