આમચી મુંબઈ

મુંબઈ નજીકના 446 ગામડાઓનો ચહેરો બદલાશે, મળશે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

શું છે એકનાથ શિંદેનો ડેવલપમેન્ટ પ્લાન?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) ને વૈશ્ર્વિક આર્થિક કેન્દ્રમાં પરિવર્તિત કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું છે. આ પહેલ દ્વારા એમએમઆરને વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક અને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં આવશે.

આ યોજના હેઠળ એમએમઆરના 6,355 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા પ્રારંભિક તબક્કામાં 1,250 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેટ્રો, રસ્તાઓ, પુલ, ડ્રેનેજ સિસ્ટમ અને અન્ય માળખાકીય સુવિધાઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ યોજનાના અમલ માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) ને સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

એમએમઆરડીએ પાલઘર, વસઈ, પનવેલ, ખાલાપુર, પેણ અને અલીબાગ તાલુકાના 446 ગામો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અત્યાર સુધી આ ગામોનો અસંગઠિત અને કામચલાઉ વિકાસ થતો હતો, પરંતુ હવે આ ગામોને વિશ્ર્વ કક્ષાની સુવિધાઓ મળશે. તેમાં રસ્તાઓ, પુલ, નવી ગટરો અને ડ્રેનેજ લાઈનોની સાથે સાથે મેટ્રો કનેક્ટિવિટી તેમજ રિયલ એસ્ટેટ વિકાસના કડક ધોરણો હેઠળ વ્યાપક વિકાસ થશે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા એમએમઆરને વૈશ્ર્વિક આર્થિક કેન્દ્ર બનાવવા માટે તૈયાર કરેલી યોજના આર્થિક ટેકનોલોજી, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, આરોગ્ય, શિક્ષણ, વૈશ્ર્વિક ઉડ્ડયન સેવા અને મનોરંજન સહિતના વિવિધ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકાર આ ઉદ્યોગોમાં રોકાણ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યએ 2029-30 સુધીમાં એમએમઆરમાં 300 બિલિયનનું જીડીપીનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ એક મોટી યોજના છે.

એમએમઆરડીએ 446 ગામોનો વિકાસ કરશે
એમએમઆર યોજનાને પહેલેથી જ ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ્સમાં સામેલ કરવામાં આવી છે. તેમાં વાઢવણ બંદર, પાલઘરમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન, પનવેલ-કર્જત ઉપનગરીય રેલ લાઇન અને વિરાર-અલીબાગ મલ્ટિમોડલ કોરિડોર જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટ એમએમઆર હેઠળ એકીકૃત કરવામાં આવશે અને વધુ વિકસિત કરવામાં આવશે.

એમએમઆરડીએના એક અધિકારીએ એવી માહિતી આપી હતી કે, તાજેતરમાં એક ઓર્ડર મળ્યો છે, એમએમઆરડીએને 1,250 ચોરસ કિલોમીટરના વિસ્તાર માટે સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી (એસપીએ) નિયુક્ત કરવામાં આવી છે. રાયગઢ અને પાલઘર જિલ્લાના આ ગામો માટે એક વ્યાપક વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ 446 ગામોમાંથી 223 વસઈ અને પાલઘર તાલુકામાં છે, જ્યારે બાકીના ગામો અલીબાગ, પેણ, પનવેલ અને ખાલાપુર તાલુકામાં આવે છે. આ ગામો વિકાસના નવા તબક્કા તરફ આગળ વધશે, જે એમએમઆરને ભાવિ વૈશ્ર્વિક આર્થિક કેન્દ્ર બનાવવા તરફ નિર્ણાયક પગલું બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button