થાણેમાં વેપારી પાસેથી રૂપિયા વસૂલ્યા: ‘સામાજિક કાર્યકર’ સહિત બે પકડાયા
થાણે: થાણેના વેપારીને ધમકીભર્યા કૉલ કર્યા બાદ તેની પાસેથી રૂ. 50 હજાર વસૂલવા પ્રકરણે ‘સામાજિક કાર્યકર’ સહિત બે જણની ધરપકડ કરી હતી.
પોલીસે ધરપકડ કરેલા બંનેની ઓળખ કલવાના કડુબા મહાદુ તેલુરે (60) અને કોપરી કોલોનીના ‘સામાજિક કાર્યકર’ વિશાલ ઉર્ફે બાળાસાહેબ સાહેબરાવ ભોસલે (40) તરીકે થઇ હતી. પોલીસે તેમની પાસેથી રૂ. 1.08 લાખની મતા જપ્ત કરી હતી.
કોપરી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર મીઠાઇની દુકાન ધરાવતા વેપારી પાસેથી ભોસલેએ 2019થી ડોનેશનને નામે પૈસા વસૂલ્યા હતા.
ભોસલેએ 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન વેપારીને ધમકીના અનેક કૉલ કર્યા હતા અને 50 હજાર રૂપિાયની માગણી કરી હતી. રૂપિયા ન ચૂકવે તો હિંસાની ચેતવણી આપી હતી. થાણેમાં કાર્યરત ગુનેગારી ટોળકીનું નિયંત્રણ પોતાની પાસે હોવાનો પણ તેણે દાવો કર્યો હતો.
દરમિયાન વેપારીએ ધમકી અંગે સિનિયર ઇન્સ્પેક્ટર રંજિત ડેરેને જાણ કરી હતી. આથી પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેણે ઑપરેશન હાથ ધરીને ભોસલે વતી પૈસા સ્વીકારવા આવેલા તેલુરેને પકડી પાડ્યો હતો. બાદમાં ભોસલેની પણ ધરપકડ કરાઇ હતી. (પીટીઆઇ)