બોગસ ચેકની મદદથી લાખો રૂપિયાની ઉચાપત: ત્રણ વર્ષે આરોપી ઝડપાયો
થાણે: બોગસ ચેક અને અન્ય દસ્તાવેજોની મદદથી લાખો રૂપિયાની ઉચાપત કરી અનેક લોકો સાથે કથિત છેતરપિંડી કરવાના કેસમાં સંડોવાયેલો આરોપી ત્રણ વર્ષે મીરા રોડમાં ઝડપાયો હતો.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઈમ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર રાહુલ રાખે જણાવ્યું હતું કે એક ખાનગી બૅન્કના મૅનેજરે આ મામલે ૧૧ માર્ચ, ૨૦૨૦ના રોજ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે અજાણ્યા શખસે ત્રણ બોગસ ચેકનો ઉપયોગ કરી એક બૅન્ક ખાતામાંથી ૧૧.૯૨ લાખ રૂપિયા અન્ય બૅન્કોનાં ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રૂપિયા સંબંધિત બૅન્ક ખાતામાંથી કઢાવી લેવામાં આવ્યા હતા.
તે સમયે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ગુનો નોંધ્યો હતો. કેસની તપાસ માટે અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. મળેલી માહિતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો.
વારંવાર રહેઠાણ બદલતો આરોપી મીરા રોડમાં નજરે પડ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે શનિવારે એક કૉલેજ નજીક છટકું ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બનાવટી દસ્તાવેજોને આધારે નાગરિકો સાથે છેતરપિંડી કરવા પ્રકરણે આરોપી વિરુદ્ધ મીરા રોડ, નાલાસોપારા, અર્નાળા સાગરી અને વાલિવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ચાર ગુના નોંધાયેલા છે. આરોપી ૨૦૦૪માં પણ થાણે, નવી મુંબઈ અને નાગપુરમાં નોંધાયેલા આવા જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું. અમુક ગુનામાં અગાઉ તેની ધરપકડ પણ થઈ હતી. (પીટીઆઈ)