એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન ખોટકાયું: પ્રવાસીઓને હાલાકી
મુંબઈ: મધ્ય રેલવેના કર્જત સીએસએમટી વચ્ચે એક્સ્પ્રેસ ટ્રેનના એન્જિનમાં ટેક્નિકલ ખરાબીને કારણે કલ્યાણ સેક્શનમાં ટ્રેનસેવા પર અસર પડી હતી. ટિટવાલા નજીક વાશીંદ રેલવે સ્ટેશન નજીક બપોરે ૧૨.૦૮ વાગ્યાના સુમારે ધૂળે-સીએસએમટી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી, જેને કારણે કલ્યાણ અને કસારા સેક્શનની ટ્રેનસેવા પર અસર પડી હતી. ત્યારબાદ બીજું એન્જિન બદલવામાં આવ્યા પછી ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એક્સ્પ્રેસ ટ્રેનના એન્જિનમાં બગાડ થતાં કસારાથી સીએસએમટી તરફ જનારી અનેક લોકલ ટ્રેનો મોડી પડી હતી. આને લીધે વારાણસી લોકમાન્ય ટિળક એક્સ્પ્રેસ ટ્રેન (ટ્રેન નંબર ૧૨૧૬૮)ને રોકવામાં આવતા તેની સાથે અન્ય ટ્રેનની અવરજવર પર અસર થઈ હતી, તેમાંય વળી કલ્યાણથી સીએસએમટી જનારી ટ્રેનો પણ મોડી પડી હતી.
બપોરથી લઈને સાંજ સુધી લોકલ ટ્રેનો પ્રવાસીઓથી પેક રહેવાને કારણે ટ્રેનોમાં મુસાફરી કરવામાં હાલાકી પડી હતી. ટ્રેનો મોડે પડે એની હવે કોઈ નવાઈ રહી નથી, પરંતુ એના અંગે કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવે નહીં એ આશ્ચર્યની બાબત છે, એમ ડોંબિવલીના રહેવાસીએ જણાવ્યું હતું.
પીક અવર્સમાં સમસ્યા સર્જાયા પછી તેની તાત્કાલિક ઉપાય કરવામાં આવે છે, પરંતુ બપોરના સમયે મુશ્કેલી આવ્યા પછી તાત્કાલિક પગલા ભરવામાં આવતા નથી, તેનાથી પરેશાન પ્રવાસીઓને થવું પડે છે, પણ એની કોઈ દરકાર રેલવે લેતું નથી, એમ કલ્યાણના રહેવાસી મુરલી પાંડેએ જણાવ્યું હતું.