ત્રણ વર્ષ સુધી મુંબઈમાં પ્રવેશ – બહાર જવાનું મોંઘું
ટોલ ટેક્સમાં પાંચથી ૩૦ રૂપિયાનો વધારો
મુંબઈ: પહેલી ઓક્ટોબર, ૨૦૨૩થી મુંબઈમાં પ્રવેશ કરવું અથવા મુંબઈની બહાર જવું ત્રણ વર્ષ માટે મોંઘું થઇ ગયું છે. મુંબઈના વિવિધ વિસ્તારમાં બનાવવામાં આવેલા ફ્લાયઓવરના નિર્માણ અને તેના સમારકામ માટે મહેસૂલ વધારવા ૨૦૦૨થી મુંબઈના પ્રવેશ દ્વાર દહિસર, વાશી, ઐરોલી, મુલુંડ ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે અને મુલુંડ એલબીએસ માર્ગ પર ટોલ
વસૂલવા માટે ટોલનાકાની શરૂઆત કરવામાં આવી હતી. ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં છ વર્ષના અંતરાલ પર ટોલ દરોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારની અધિસૂચનામાં દર વર્ષે ટોલના દરોમાં સંશોધન કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. તેના અનુસાર પહેલી ઓક્ટોબર, ૨૦૨૩થી ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવા ટોલ દર હવે ત્રણ વર્ષ માટે એટલે કે ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી લાગુ રહેશે.
તો મળશે ૨૫થી ૫૦ ટકાની છૂટ
મિનિ બસ/ એલ.સીવી, ટ્રક/બસ, ભારે વાહનો (એચએમવી) વાહનધારકોને જો કોઇ વાહનના ટોલ ટેક્સ ભરવા માટે પચાસ અથવા ૧૦૦ કૂપન સાથેની રોડ ટેક્સ પુસ્તિકા ખરીદી હશે તો તે વાહનને ટોલ ટેક્સમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની છૂટ આપવામાં આવશે.
ટોલના દરમાં થયેલો ફેરફાર
વાહન અગાઉના દર નવા દર
ફોર-વ્હિલર ૪૦ ૪૫
મિનિ બસ ૬૫ ૭૫
ટ્રક-બસ ૧૩૦ ૧૫૦
ભારે વાહન ૧૬૦ ૧૯૦
માસિક પાસ ૧૫૦૦ ૧૬૦૦
ટોલ ટેક્સ વધારાને કારણે સ્કૂલ બસ ફીમાં પાંચ ટકા વધારાની શકયતા
મુંબઈ: ટોલ ટેકસમાં થયેલા વધારાને કારણે સ્કૂલ બસની ફીમાં પાંચ ટકા વધારો કરવામાં આવશે એવો ઈશારો સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશન તરફથી કરવામાં આવ્યો છે. મુંબઈ પ્રવેશ અને મુંબઈ બહાર જવાના સ્થળે ટોલ ચાર્જિસમાં વધારાના વિરોધમાં એસોસિએશન વિરોધ પ્રદર્શન કરશે. જો ટોલ વધારો પાછો નહીં ખેંચવામાં
આવે તો અમારી સમક્ષ બસ ફીમાં પાંચ ટકા વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે એવી સ્પષ્ટતા એસોસિએશનના પ્રમુખ અનિલ ગર્ગએ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર આ ભાવવધારાની અસર ૩૫૦૦ વિદ્યાર્થીઓને થશે. આ વિદ્યાર્થીઓ વાશી, દહિસર, ઐરોલી, થાણા અને મુલુંડથી શાળા અને ઘર વચ્ચેનું અંતર કાપતી વખતે ટોલ નાકા પાસેથી પસાર થાય છે. વિરોધ પ્રદર્શનમાં રસ્તાની ખરાબ હાલતનો મુદ્દો ઉઠાવવામાં આવશે. એને કારણે વિદ્યાર્થીઓને પરેશાની તો થાય જ છે, સાથે સાથે બસને નુકસાન પહોંચે છે જેને પગલે જાળવણી ખર્ચ વધી જાય છે એમ પણ ગર્ગે જણાવ્યું હતું.