આમચી મુંબઈ

વધુ પડતો કામનો બોજો દર્દીઓનાં મૃત્યુ માટે જવાબદાર: મહારાષ્ટ્ર સરકાર

સરકાર જવાબદારીમાંથી છટકી ન શકે: હાઈ કોર્ટ

મુંબઈ: તાજેતરમાં સરકાર સંચાલિત નાંદેડ અને છત્રપતિ સંભાજીનગર હૉસ્પિટલોમાં ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા એ સંદર્ભે આ સરકારી હૉસ્પિટલોમાં અત્યંત ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ મોટી સંખ્યામાં પ્રાઇવેટ હૉસ્પિટલોમાંથી આવ્યા હોવાની દલીલ સરકારે કરી હતી. જોકે, સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે એમ અદાલતે જણાવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલોમાં કોઈ ઘોર બેદરકારી નજરે નથી પડી એવી રજૂઆત પણ સરકારે મુખ્ય ન્યાયમૂર્તિ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ આરીફ ડોક્ટરની ખંડપીઠ સમક્ષ કરી હતી.

અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર ૩૦ સપ્ટેમ્બર પછી ૪૮ કલાકમાં નાંદેડની ડૉ. શંકરરાવ ચવાણ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઘણા નવજાત શિશુ સહિત ૩૧ દર્દીના મૃત્યુ થયા હતા જ્યારે છત્રપતિ સંભાજીનગર સ્થિત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હૉસ્પિટલમાં બીજી અને ત્રીજી ઓક્ટોબર દરમિયાન ૧૮ દર્દી મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે મે મહિનામાં કાર્યરત થયેલી મહારાષ્ટ્ર મેડિસિન્સ પ્રોક્યોરમેન્ટ ઓથોરિટી માટે પૂર્ણ વેળાના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સીઈઓ)ની નિમણૂક નહીં કરવા બદલ પણ અદાલતે મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લીધો હતો. બે અઠવાડિયામાં સીઈઓની નિમણૂક માટે ખંડપીઠે નિર્દેશ કર્યો છે. (પીટીઆઈ)

૪૦ ટકા દવા મેળવવાની ડીનને સત્તા
મુંબઈ: બે દિવસમાં નાંદેડની ડૉ. શંકરરાવ ચવાણ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન હૉસ્પિટલમાં કર્મચારીઓ અને ઔષધની અછતને કારણે થયેલા ૩૮ મૃત્યુને પગલે માછલાં ધોવાયા બાદ રાજ્ય સરકારે અછતની સમસ્યાને પહોંચી વળવા જિલ્લા હૉસ્પિટલોને સત્તા આપવાનું નક્કી કર્યું છે. મંગળવારે આયોજિત કરવામાં આવેલી બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સરકારી હોસ્પિટલનો કારભાર ચકાસવા જિલ્લા કલેકટરોને આદેશ આપ્યો છે. બીજી તરફ તબીબી શિક્ષણ વિભાગે આદેશ જારી કરી સ્થાનિક હૉસ્પિટલોને આકસ્મિક ચિકિત્સા માટેની દવા (ઇમરજન્સી મેડિસિન) મેળવી લેવા જણાવ્યું છે. રાજ્ય સરકાર ક્વોટા છૂટો કરે એની રાહ જોયા વિના જરૂરિયાતની ૪૦ ટકા દવા ખરીદવાની સત્તા ૨૫ મેડિકલ કોલેજના ડીનને આપવામાં આવી છે. અત્યાર સુધી તેમને ૩૦ ટકા દવા ખરીદવાની સત્તા હતી. બાકીની દવા મહારાષ્ટ્ર મેડિસિન પ્રોક્યોરમેન્ટ ઓથોરિટી (એમએમપીએ) દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. અગાઉ આ જવાબદારી હાફકિન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડની હતી. તાજેતરમાં જવાબદારી બદલાઈ હોવાને કારણે હૉસ્પિટલોએ માગણી કરી હોવા છતાં એમએમપીએ ૮૫૦ કરોડ રૂપિયાની તબીબી વપરાશની વસ્તુઓ મેળવી નહોતી શકી. એમએમપીએની સ્થાપના આ વર્ષે એપ્રિલમાં કરવામાં આવી હતી. જોકે, પાંચ મહિના પછી પણ એનું તંત્ર સરખું પાટે નથી ચડ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button