આમચી મુંબઈ
માલેગાવ બોમ્બવિસ્ફોટ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષીઓની તપાસ પૂર્ણ
મુંબઈ: ૨૦૦૮ના માલેગાવ બોમ્બવિસ્ફોટ ખટલામાં પુરાવા નોંધવાની કામગીરી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની વિશેષ અદાલત સમક્ષ ગુરુવારે પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના પ્રજ્ઞા ઠાકુર સહિત સાત આરોપી સામે ભારતીય દંડ સંહિતા તેમજ આતંકવાદી વિરોધી કાયદા (યુએપીએ) હેઠળ કામ ચાલી રહ્યું છે.
એનઆઇએનું પ્રતિનિધિત્વ કરી રહેલા વિશેષ સરકારી વકીલ અવિનાશ રસલ અને અનુશ્રી રસલ દ્વારા વિશેષ ન્યાયમૂર્તિ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે પુરાવા નોંધવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે કોઈ પુરાવા કે સાક્ષીની જુબાનીના પરીક્ષણની આવશ્યકતા નથી. છેલ્લા પાંચ વર્ષમાં ફરિયાદ પક્ષના ૩૨૩ સાક્ષીની ઉલટ તપાસ કરવામાં આવી હતી અને એમાંથી ૩૪ ફરી ગયા હતા. હવે અદાલત ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૩૧૩ હેઠળ આરોપીઓના નિવેદનોની નોંધ લેશે.