“આ તો EVMનો આદેશ છે”, ત્રણ રાજ્યોમાં ભાજપની જીત બાદ સંજય રાઉતની પ્રતિક્રિયા
તેલંગાણાના પરિણામ વિશે જણાવ્યું કે…
મુંબઇઃ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન અને તેલંગાણામાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચારમાંથી ત્રણ રાજ્ય-મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે ઝળઙળતી સફળતા મેળવી છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે સત્તા પરિવર્તન કર્યું છે જ્યારે મધ્ય પ્રદેશમાં તેમનું બે દાયકાનું શાસન જાળવી રાખ્યું છે. જોકે, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત માટે ભાજપની હાર પચાવવી અઘરી છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં ઇવીએમનો મુદ્દો ઉઠાવતા ટીકા કરી છે કે આ જીત ભાજપની નહીં પરંતુ EVMની છે.
સંજય રાઉતે જણાવ્યું હતું કે, ‘ચાર રાજ્યોના પરિણામો હાથમાં છે. અમે લોકશાહીમાં માનીએ છીએ, પછી ભલે પરિણામો આશ્ચર્યજનક અને અણધાર્યા હોય. લોકશાહીમાં પરિણામ આપણી વિરુદ્ધ જાય તો પણ આપણે તે આદેશ સ્વીકારવો પડશે. ગઈકાલના વિધાનસભા પરિણામોમાં ત્રણ રાજ્યો ભાજપ અને એક રાજ્ય કોંગ્રેસના ખાતામાં ગયા હતા. મધ્યપ્રદેશના પરિણામો ચોંકાવનારા છે.’
તેમણે કહ્યું હતું કે તે સમયે દિગ્વિજય સિંહ મુંબઇમાં જ હતા. તેઓ ઇન્ડિયા ગઠબંધનની બેઠક માટે આવ્યા હતા. તેમનું માનવું હતું કે ઈવીએમને લઈને ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ચર્ચા થવી જોઈએ, કારણ કે આ બધું શંકાસ્પદ છે. કપિલ સિબ્બલ, દિગ્વિજય સિંહ ઇવીએમનું સંચાલન કેવી રીતે થાય છે તે અંગે રજૂઆત કરવા માગતા હતા. જો કે, આપણે આટલું કહીએ તો પણ વર્તમાન સરકાર તેની ચર્ચા નહીં કરે.જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ચાર રાજ્યોના પરિણામો ઈવીએમના પરિણામો છે અને તેને સ્વીકારવા જોઈએ.
રાઉતે એમ પણ કહ્યું હતું કે તેલંગાણામાં જનતાનો નિર્ણય મહત્વપૂર્ણ છે. મોદી પણ ત્યાં ગયા હતા. અમિત શાહે પણ ત્યાં ધામા નાખ્યા હતા. નડ્ડાએ પણ સભાઓ કરી હતી, પરંતુ ભાજપને ત્યાં 10 બેઠકો પણ ન મળી. રાહુલ ગાંધીએ ત્યાં ખૂબ પ્રચાર કર્યો હતો, તેથી તેમને સફળતા મળી.