આખરે ચાર કર્મચારીના પણ શબ મળ્યાં: મૃત્યુઆંક ૧૧
મહાડ ઈન્ડસ્ટ્રીયલ આગ દુર્ઘટના
મુંબઈ: રાયગઢ જિલ્લાના મહાડ સ્થિત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીની ફૅક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં ગુમ ચાર કર્મચારીનાં શબ આખરે સોમવારે મળી આવ્યાં હતાં. ચાર મૃતદેહ મળતાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૧ પર પહોંચી હતી, એમ એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું હતું. મહાડમાં એમઆઈડીસી ખાતેની બ્લુ જેટ હેલ્થકૅર પ્રાઈવેટ લિમિટેડની ફૅક્ટરીમાં ત્રીજી નવેમ્બરે આગ લાગી હતી. આગમાં સાત કર્મચારી ગંભીર રીતે દાઝ્યા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે ઘટના સમયે ફૅક્ટરીમાં કામ કરનારા ૧૧ કર્મચારી ગુમ હતા. આગ પર કાબૂ મેળવવાની સાથે શોધ અને બચાવ કાર્યમાં ફાયર બ્રિગેડના જવાનો સાથે પોલીસ અને એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી. શનિવારની સાંજ સુધીમાં ફૅક્ટરીમાંથી સાત મૃતદેહ મળી આવ્યા હતા. બાકીના ચાર કર્મચારીની શોધ રવિવારથી હાથ ધરાઈ હતી. આખરે સોમવારે ચાર મૃતદેહ મળી આવતાં સર્ચ ઑપરેશન બંધ કરવામાં આવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. એક વ્યક્તિનું તો માત્ર હાડપિંજર જ મળ્યું હોવાનું કહેવાય છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ) ઉ