‘અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ’થી સજ્જ: ૨૮ સિસ્મોમીટર બેસાડાશે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ‘ભૂકંપ-પ્રૂફ’
મુંબઈ: અતિ મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરપાટ ગતિએ શરૂ છે ત્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો વધુમાં વધુ વપરાશ કરવા પ્રશાસન તત્પર છે.
ભૂકંપ જેવી પરિસ્થિતિમાં પ્રવાસીઓની સલામતી માટે બુલેટ ટ્રેનના આખા માર્ગ પર ૨૮ સિસ્મોમીટર બેસાડવાની યોજના છે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરના ૨૮ ટ્રકેશન સબ સ્ટેશન્સ પર ‘અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ’ માટે સિસ્મોમીટર બેસાડવામાં આવશે, એવી માહિતી પ્રોજેક્ટથી સંકળાયેલા અધિકારીએ આપી હતી.
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યા અનુસાર ‘અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ એ જાપનીઝ શિન્કાન્સેન ટેક્નોલોજી પર આધારિત છે. આ ટેક્નોલોજી ભૂકંપ આવે તે પહેલા જમીનના પેટાળમાં જે હલનચલન થાય તે તરંગોને ડિટેક્ટ કરીને આપોઆપ પાવર શટડાઉન એટલે કે બંધ કરી દે છે.’
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને જણાવ્યા મુજબ ૨૮માંથી ૨૨ સિસ્મોમીટર સમાંતર રૂપે બેસાડવામાં આવશે જેમાંથી આઠ મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, વિરાર, અને બોઇસરમાં હશે. જ્યારે ૧૪ સિસ્મોમીટર ગુજરાતના વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાબાદ અને અમદાવાદમાં હશે.
બાકી રહેલા છ સિસ્મોમીટર ભૂકંપ-સંવેદનશીલ વિસ્તાર જેવા કે ખેડ, રત્નાગિરી, લાતુર અને પાન્ગ્રીમાં હશે. આ તમામ મહારાષ્ટ્રના એવા વિસ્તારો છે જ્યાં ભૂકંપ આવવાનો વધુ ખતરો છે. જ્યારે ગુજરાતના અદેસર અને જૂના ભુજમાં બે સિસ્મોમીટર બેસાડવામાં આવશે. ગુજરાતના આ બંને વિસ્તારો પણ ભૂકંપ-સંવેદનશીલ વિસ્તારોની શ્રેણીમાં આવે છે.