ઈઓડબ્લ્યુએ કૌભાંડી દંપતીનાં 11 બેંકખાતાં અને પાંચ મિલકતોને ટાંચ મારી
મુંબઈ: મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ બ્લિસ ક્નસલ્ટન્ટ અને તેના માલિક અશેષ મહેતા અને તેની પત્નીનાં 11 બેંકખાતાં અને રહેણાક મકાનોને ટાંચ મારી હતી, એવું ભૂતપૂર્વ વિધાનસભ્ય અને શિવસેનાના પ્રવક્તા કૃષ્ણા હેગડેએ જણાવ્યું હતું. દંપતી અશેષ મહેતા અને શિવાંગી લાડ દ્વારા પોન્ઝી સ્કીમ શરૂ કરવામાં આવી હતી.
કાંદિવલી, ગોરેગાંવ અને સાંતાક્રુઝ ખાતે આવેલી તેમની રૂ. 16 કરોડની પાંચ જગ્યાને અને બેંકખાતાંઓને પણ ટાંચ મારવામાં આવી હતી. મુંબઈ પોલીસ અને કૃષ્ણા હેગડેના પ્રયાસોથી દંપતીની મિલકત અને ખાતાંને ટાંચ મારવામાં આવી હતી. અશેષ મહેતા અને શિવાંગી લાડ મહેતાએ 4000 હજાર રોકાણકારો સાથે હજાર કરોડથી વધુની છેતરપિંડી
કરીને બંને ગાયબ થઇ ગયાં છે.
મુંબઈ પોલીસ અને ઈઓડબ્લ્યુએ મારી ફરિયાદ પર ઝડપથી કાર્યવાહી કરી છે, એવું હેગડેએ જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે હું તેમને વિનંતી કરીશ કે આ ટાંચ મરાયેલી સંપત્તિને રોકાણકારોને વહેંચી દેવામાં આવે, જેઓએ પોતાની મહેનતની કમાણી ગુમાવી છે. હેગડેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, સ્પેશિયલ કમિશનર દેવેન ભારતી અને જોઇન્ટ કમિશનર નિશિથ મિશ્રા સહિત મુંબઈ પોલીસના ટોચના અધિકારીઓનો આભાર માન્યો હતો.