મનોરંજન મોંઘું થશે નાટ્યગૃહો, સિનેમાગૃહો અને સરકસ પર ટેક્સમાં વધારો તોળાય છે
મુંબઈ: આખો દિવસ કામ કરીને થાક્યાપાક્યા ઘરે આવ્યા બાદ કોઇ પ્રકારનું મનોરંજન હોવું જોઇએ એ માટે મુંબઈગરો હંમેશાં સિનેમાગૃહોમાં ફિલ્મ જોવાની કે નાટ્યગૃહોમાં નાટક જોવાનું પસંદ કરતો હોય છે. પણ હવે મુંબઈગરા માટે આ મનોરંજન હવે મોંઘું થવાનું છે. મુંબઈ મહાપાલિકાએ ૨૦૨૪-૨૫ માટે નાટ્યગૃહ, સિનેમાગૃહ અને સરકસના ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હોવાથી એ પાલિકા પ્રશાસન પાસે મંજૂરી માટે આવ્યો છે. આ પ્રસ્તાવ જો મંજૂર થશે તો નાટકો અને ફિલ્મોની ટિકિટના ભાવમાં વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાને એમાંથી વર્ષની અંદાજે રૂ. ૧૦ કરોડની મહેસૂલ આવક મળવાની છે.
૨૦૧૧ બાદ મુંબઈ મહાપાલિકાએ નાટ્યગૃહો, સિનેમાગૃહો અને સરકસના ટેક્સમાં વધારો કર્યો નથી. એમાં અગાઉનાં સિંગલ સ્ક્રીન સિનેમાગૃહો લગભગ નામશેષ થઇ ગયાં
છે. મલ્ટીપ્લેક્સમાં એક જ સમયે ચારથી પાંચ ફિલ્મ દેખાડવામાં આવતી હોય છે. ફિલ્મની લોકપ્રિયતા અનુસાર તેના ભાવ પણ જુદા જુદા રહેતા હોય છે. મલ્ટીપ્લેક્સના માલિક રૂ. ૨૦૦થી ૧૫૫૦ સુધીની ટિકિટની કિંમત વસૂલતા હોય છે. એ પાર્શ્ર્વભૂમિ પર ૧૩ વર્ષ બાદ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, એવું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.