આમચી મુંબઈ

આતુરતાનો અંત! મુંબઈગરા માટે મંગળવારથી કોસ્ટલ રોડ આંશિક ખુલ્લો મુકાશે

સોમવારથી શુક્રવાર પાંચ દિવસ દરરોજ સવારના આઠથી રાતના પ્રવાસ કરી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની આતુરતાનો અંત આવ્યો છે. આખરે મંગળવારથી વાહનચાલકો માટે કોસ્ટલ રોડ આંશિક ખુલ્લો મુકવામાં આવવાનો છે. વરલીથી મરીન ડ્રાઈવ સુધી દક્ષિણ તરફથી લેનનું સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ મંગળવારથી વાહનચાલકો માટે રસ્તો ખુલ્લો મુકાશે.

મુખ્ય પ્રધાનના હસ્તે સોમવારે સવારના ૧૧ વાગે વરસી સી ફેસ પાસે કોસ્ટલ રોડના વરલીથી મરીન ડ્રાઈવ એમ દક્ષિણ તરફનો રસ્તો ખુલ્લો મુકવામાં આવવાનો છે.

મુંબઈ મહાનગરપાલિકાનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો કોસ્ટલ રોડનો મંગળવાર, ૧૨ માર્ચ, ૨૦૨૪થી વાહનચાલકો ઉપયોગ કરી શકશે. લગભગ સાડા તેર હજાર કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચે બનેલો કોસ્ટલ રોડ શરૂઆતમાં જોકે અઠવાડિયાના માત્ર પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર જ વાહનો માટે ખુલ્લો રહેશે અને તે પણ માત્ર સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી રોડ ખુલ્લો રહેશે. શનિવાર અને રવિવારે કોસ્ટલ રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

મુંબઈમાં વધતી વસતી અને વધતા વાહનોને કારણે ઊભી થયેલી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા, પ્રવાસમાં ૭૦ ટકા સમયની અને ૩૪ ટકા ઈંધણની બચત કરવા માટે મુંબઈ મહાનગરપલિકાએ મુંબઈના દક્ષિણ છેડાથી એટલે કે નરિમન પોઈન્ટ પાસેથી દહિસર-વિરાર સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે મુંબઈ કોસ્ટર રોડ પ્રોજેક્ટ હાથમાં લીધો છે, જેમાં પહેલા તબક્કામાં મુંબઈના દક્ષિણમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી વરલી-બાંદ્ર સી લિંકના વરલી છેડા સુધી એટલે મુંબઈ કોસ્ટર રોડ પ્રોજેક્ટ (દક્ષિણ)નું કામ હાથમાં લીધું છે. આ પ્રોજેક્ટની વરલીથી મરીન ડ્રાઈવ દિશામાં જતો રોડ ખુલ્લો મૂકવામાં આવવાનો છે.

પાલિકાએ કરેલી જાહેરાત મુજબ કોસ્ટલ રોડ પરથી ઉત્તર તરફ જતા રસ્તાનું કામ સહિત અન્ય કામ હજી ચાલી રહ્યા છે. મે મહિનામાં કોસ્ટલ રોડોનું સંપૂર્ણરીતે કામ પૂરું કરવાનું છે. તેથી શરૂઆતમાં સોમવારથી શુક્રવાર સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી જ રસ્તો ખુલ્લો મુકવામાં આવવાનો છે.

કોસ્ટર રોડ કુલ ૧૦.૫૮ કિલોમીટર લંબાઈનો છે અને તેની પાછળ અત્યાર સુધી લગભગ ૧૪ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં દરિયામાં ભરણી કરીને રસ્તા, પુલ, એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યા છે. તો અમરસન્સ, હાજી અલી અને વરલીમાં ઈન્ટરચેંજ બનાવવામાં આવ્યા છે.

કોસ્ટલ રોડમાં દક્ષિણ-ઉત્તર મુંબઈ તરફથી આવતા-જતા વાહનો માટે બે કિલોમીટર લંબાઈની બે સ્વતંત્ર અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવી છે. ટનલમાં છ અને અન્ય ઠેકાણે આઠ રોડ છે. તે માટે લગભગ ચાર માળ ઈમારત જેટલી ઊંચાઈ, ૧૨.૧૯ મીટર વ્યાસ, આઠ મીટર લંબાઈ અને લગભગ ૨,૮૦૦ ટન વજનના ‘માવળા’ એ ભારતના સૌથી મોટા ટીબીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટનલમાં લગભગ ૩૭૫ મિલીમીટર જાડાઈનું કૉંક્રીટનું અસ્તર છે. તેના પર આગ પ્રતિબંધક ઉપાયયોજના તરીકે અત્યાધુનિક ફાયરબોર્ડ લગાડવામાં આવ્યા છે. આ ટનલમાં ભારતમાં પહેલી વખત વાપરવામાં આવેલી અત્યાધુનિક સકાર્ડો વેન્ટિલેશન સિસ્ટમ બેસાડવામાં આવી છે.

કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ૭૦ હેક્ટર ગ્રીન ઝોન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં સાયકલ ટ્રૅક, સાર્વજનિક ઉદ્યાન, જૉગિંગ ટ્રૅક, ઓપન થેટર ઊભા કરવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button