PM અને VVIP માટે અતિક્રમણ હટાવી શકાય તો સામાન્ય માણસ માટે કેમ નહીં?’, રાજ્ય સરકાર અને BMCને કોર્ટની ફટકાર

મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકાર અને BMCને રસ્તાઓ અને ફૂટપાથ પરના અતિક્રમણ અંગે સખત ઠપકો આપતા કહ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન અને અન્ય વીવીઆઈપી માટે એક દિવસ માટે રસ્તાઓ અને ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવી શકાય છે, તો પછી અન્ય લોકો માટે કાયમ માટે આ અતિક્રમણ કેમ હટાવી શકાતું નથી. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ફૂટપાથ ચાલવા માટેની સુરક્ષિત જગ્યા અને લોકોનો મૂળભૂત અધિકાર છે. આપણે આપણાં બાળકોને ફૂટપાથ પર ચાલવાનું કહીએ છીએ, પણ ચાલવા માટે ફૂટપાથ ન હોય તો બાળકોને શું કહીશું?
જસ્ટિસ એમએસ સોનક અને કમલ ખાટાની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને આ મામલે ફટકાર લગાવી હતી. ખંડપીઠે કહ્યું હતું કે રાજ્ય હંમેશા શહેરમાં ફૂટપાથ પરના અતિક્રમણનો સામનો કેવી રીતે કરવો તે વિશે જ વિચાર્યા જ કરે એવું ન હોઇ શકે. હવે તેમણે આ બાબતે કેટલાક નક્કર પગલાં ભરવાની જરૂર છે.
આ પણ વાંચો : પુણેની એક Hotelના Bathroomમાં થઈ રહ્યું હતું એવું કામ કે… વીડિયો થયો વાઈરલ…
ગયા વર્ષે, હાઈકોર્ટે શહેરમાં અનધિકૃત સ્ટ્રીટ વેન્ડર્સ અને હોકર્સના મુદ્દા પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું. બેન્ચે એ પણ જણાવ્યું હતું કે તેઓ જાણે છે કે આ સમસ્યા ઘણી મોટી છે અને રાતોરાત હલ થાય તેવી નથી. પરંતુ રાજ્ય અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ તેને આ રીતે છોડી શકે નહીં. ખંડપીઠે આ મુદ્દે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, અધિકારીઓ માત્ર શું કરવું એ જ વિચારતા રહેશે તો નહીં ચાલે . એ ઇચ્છાશક્તિનો અભાવ દર્શાવે છે. કારણ કે જ્યાં ઇચ્છાશક્તિ હોય ત્યાં હંમેશા સમાધાનનો માર્ગ પણ હોય જ છે.
BMC તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એસયુ કામદારે જણાવ્યું હતું કે આવા સ્ટ્રીટ વેન્ડર્સ અને હોકર્સ સામે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેઓ ફરી પાછા આવી જાય છે. તેમણે કહ્યું કે BMC અંડરગ્રાઉન્ડ માર્કેટના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે.
હવે આ કેસની વધુ સુનાવણી 22 જુલાઈએ થશે.