શનિ શિંગણાપુરમાં દર્શન આડે વિઘ્ન ટ્રસ્ટના કર્મચારીઓ સોમવારથી હડતાળ પર ઊતરશે
અહમદનગર: શનિ દેવના દર્શન માટે પ્રખ્યાત રાજ્યના શનિ શિંગણાપુર દેવસ્થાન ટ્રસ્ટના ૩૭૫ કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હોવાથી દર્શન દુર્લભ થવાની સંભાવના છે. કર્મચારીઓ સોમવારથી (૨૫ ડિસેમ્બરથી) વિવિધ માગણીઓના ટેકામાં હડતાળ પર ઉતરી રહ્યા હોવાથી એ સમય દરમિયાન કામકાજ ઠપ થવાની સંભાવના હોવાથી ભાવિકોને અગવડ પડે એવા સંજોગો નિર્માણ થયા છે. ભારતીય ટ્રેડ યુનિયન કેન્દ્ર (સીટુ) નામના કર્મચારી સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ડી. એલ કરાડના નેતૃત્વ હેઠળ આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. શનિ – રવિ સાથે નાતાલની રજા આવી રહી હોવાથી ભાવિકોની ભીડ ઉમટે એ જ સમયમાં આ હડતાળ કરવામાં આવી રહી છે. અલબત્ત આ હડતાલનો નિવેડો લાવવાની કોશિશ થઈ રહી છે. તાજેતરમાં રાજ્યના શિયાળુ અધિવેશનમાં દેવસ્થાન ટ્રસ્ટના કારભારનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. એ સમયે દેવેન્દ્ર ફડણવીસે ટ્રસ્ટના કારભારની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.