ફ્લાઇટમાં એક મુસાફરે કહ્યું કે તેની પાસે બોમ્બ…
મુંબઈ: ગઈ કાલે રાત્રે પૂણેથી દિલ્હી જતી આકાસા એરની ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ લેન્ડિંગ કરવાનું મુખ્ય કારણ એ હતું કે જ્યારે ઉડતી ફ્લાઈટમાં એક મુસાફરે કહ્યું હતું કે તેની બેગમાં બોમ્બ છે. જેના કારણે ફ્લાઈટને તાત્કાલિક મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.
જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી ત્યારે પેસેન્જર અને તેના સામાનની તપાસ કરવામાં આવી. ત્યારપછી જ્યારે પેસેન્જરે પોલીસને બોમ્બ બોલવા પાછળનું સાચું કારણ જણાવ્યું તો ત્યાં હાજર પોલીસ અને લોકો ચોંકી ગયા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક પોલીસ ઓફિસરે મુંબઈ પોલીસ કંટ્રોલની હોટલાઈન પર આ અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ તે ફ્લાઇટ તમામ પેસેન્જરના સામાનની તલાશી લેવામાં આવી હતી અને તે સમયે પોલીસની ટીમ તેમજ પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા.
શંકાસ્પદ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. એક અધિકારીએ કહ્યું હતું કે જે વ્યક્તિએ કહ્યું હતું કે તેની બેગમાં બોમ્બ છે, તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
તે ફ્લાઈટમાં તે વ્યક્તિ સાથે તેનો એક સંબંધી પણ મુસાફરી કરી રહ્યો હતો. સંબંધીએ પોલીસને જણાવ્યું કે તેના રીલેટીવને છાતીમાં દુખાવાની દવા લીધી હતી અને તે બોલી શકતો ન હતો. તમામ પ્રકારની તપાસ કર્યા બાદ પોલીસે ક્લીયરન્સ આપ્યું અને ત્યારબાદ આકાસા એરની ફ્લાઈટ સવારે 6 વાગ્યે મુંબઈ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઈ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.