થાણે-સાકેત વચ્ચે બનશે એલિવેટેડ રોડ, ટ્રાફિકની સમસ્યા દૂર થવાની શક્યતા

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હોમ ટાઉન થાણેની કાયાપલટ કરવા માટે સરકારે કમર કસી રહી છે, જેમાં આંતરિક રસ્તાઓની સાથે હાઈ-વેની કનેક્ટિવિટી સુધારવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે થાણે અને સાકેત વચ્ચેના સાડા છ કિલોમીટરથી વધુ લાંબા રસ્તા માટે એલિવેટેડ રોડ (Elevated Road) બનાવવામાં આવશે, તેનાથી ટ્રાફિકની સમસ્યા દૂર થવાની શક્યતા રહેશે.
આ પણ વાંચો: થાણેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પડઘા સુધી મળશે એલિવેટેડ રોડ
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ શહેરની અંદરના રસ્તાઓ પર ભીડ ઓછી કરવા માટે થાણેના ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇ-વે (ઇઇએચ) પર આનંદ નગર અને સાકેતની વચ્ચે ૬.૩૦ કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. રૂ. ૧,૬૯૯ કરોડના ખર્ચે બનનારા આ પ્રસ્તાવિત રોડનું કામ ચાર વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડ માટે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર
આ રોડને કારણે ટ્રાફિકની સમસ્યા અમુક હદે ઓછી થઇ જશે. આગામી કેટલાક વર્ષમાં થાણેના ઘણા પ્રોજેક્ટો પૂરા થશે, જેના પર કામ ચાલી રહ્યું હતું અથવા કામ અટકી પડ્યું હતું અથવા પ્રસ્તાવ હતો. આનંદ નગર-સાકેત એલિવેટેડ રોડ યોજનાને ૨૦૨૩માં આગળ વધારવામાં આવી હતી અને આ રોડ છ લેનનો હશે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ થાણેમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ સિવાય ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવેની સાથે ઘાટકોપરથી થાણે સુધી એલિવેટેડ રોડના નિર્માણનું કામ પણ એમએમઆરડીએ દ્વારા થઇ રહ્યું છે.