બોલો, ઘરમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં વિસ્ફોટ થયો અને…
મુંબઈઃ ઈંધણવાળા વાહનોથી પ્રદૂષણને લઈ દેશ દુનિયામાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવા પામ્યો છે. જો કે આ વાહનોમાં આગ લાગવાના કિસ્સા પણ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. સાથે જ આ વાહનચાલકો માટે જોખમી પણ બની રહ્યા છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ઘરમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો, જેમાં બે મહિલા અને એક પુરુષ ઈજાગ્રસ્ત થયા હતા, એમ પાલિકાના અધિકારિએ બુધવારે આ જાણકારી આપી હતી.
થાણે નગર નિગમના આપત્તિ નિવારણ વિભાગના પ્રમુખ યાસીન તડવીએ કહ્યું કે મંગળવારની રાત્રે થયેલા વિસ્ફોટના કારણે મકાનની છત અને પડોશના મકાનની દીવાલો પણ ધસી પડી હતી. કલવા વિસ્તારના શાંતિનગરમાં એક ચાલમાં સ્થિત ઘરમાં આ બેટરી રાખવામાં આવી હતી ત્યારે લગભગ રાતના 10.30 વાગ્યે બેટરીમાં વિસ્ફોટ થયો હતો.
બેટરીમાં વિસ્ફોટ કઈ રીતે થયો તેના અંગે હજુ સુધી જાણવા નથી મળ્યુ કે તેને ઘરમાં ચાર્જિંગ માટે રાખવામાં આવી હતી કે નહીં. તેમણે કહ્યું કે જે ઘરમાં વિસ્ફોટ થયો હતો તેમા રહેતી 28 વર્ષિય મહિલા અને પડોશના ઘરમાં રહેતા 66 વર્ષના પુરુષ તેમ જ 56 વર્ષની મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. સૂચના મળતા ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામ ભોગબનનારને કલવામાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બેટરીમાં થયેલા વિસ્ફોટનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે