ચૂંટણીના તાલીમ કાર્યક્રમમાં ગેરહાજર કર્મચારીઓ પર થશે કાર્યવાહીઃ જાણો કોણે કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચની સાથે સરકારી યંત્રણા પણ સજ્જ બની છે, ત્યારે સરકારી અધિકારીઓને એના માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન અને ચૂંટણી પંચ દ્વારા ‘સ્વીપ’ જેવા કાર્યક્રમો હાથ ધરીને લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે જાગરૂકતા ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને તેમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તેમાં બોલાવીને લોકોમાં જાગરૂકતા કઇ રીતે ફેલાવવી તેની તાલીમ આપવામાં આવી રહી છે.
આ સિવાય ચૂંટણી દરમિયાન વિવિધ ફરજ સોંપવામાં આવી છે તેવા કર્મચારીઓ અને અધિકારીઓને તાલીમ આપવા માટે પણ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જોકે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કઇ રીતે કામ કરવું તેની તાલીમ આપવા માટે યોજવામાં આવેલી વર્કશોપમાં ગેરહાજર રહેનારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહીની તલવાર તોળાઇ રહી છે.
ALSO READ : લોકસભા ચૂંટણીઃ અમરાવતીમાંથી નવનીત રાણાએ ભર્યું ઉમેદવારીપત્ર
તાલીમ દરમિયાન ગેરહાજર રહેનારાઓ વિરુદ્ધ લોકપ્રતિનિધિ અધિનિયમ 1951 કાયદા અંતર્ગત ફોજદારી ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે જણાવ્યું હતું.
પ્રશાસન દ્વારા મળેલી માહિતી મુજબ મુંબઈ ઉપનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે 50,000 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ચૂંટણી ફરજની તાલીમ માટે પાંચ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હોવાનું પણ રાજેન્દ્ર ક્ષીરસાગરે જણાવ્યું હતું.