ચૂંટણીમાં ‘વોટ જેહાદ’ જેવા શબ્દના ઉપયોગ બદલ ચૂંટણી પંચ એક્શનમાં, આપ્યું આ નિવેદન…
મુંબઈ: તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક રાજકીય પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાયેલા ‘વોટ જેહાદ’ જેવા વિવાદાસ્પદ શબ્દ પ્રયોગ ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) ઝીણવટથી ચકાસી રહ્યું છે એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં ખાસ વ્યવસ્થા: 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી
મહારાષ્ટ્રના એડિશનલ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર ડો. કિરણ કુલકર્ણીએ એમ પણ જણાવ્યું હતું કે રાજ્યની ચૂંટણી દરમિયાન ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનના 650થી વધુ કેસ નોંધાયા હતા અને એન્ફોર્સમેન્ટ એજન્સી આ કેસોનો નિવેડો લાવશે.
‘વોટ જેહાદ’ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ‘આગળની કાર્યવાહી કરતા પહેલા ચૂંટણી પંચ કાનૂની, ભાષાકીય અને સામાજિક ક્ષેત્રોમાં તેની કેવી અસર પડે છે એનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરી રહ્યું છે. આપણે ‘વોટ જેહાદ’ જેવા શબ્દપ્રયોગ વાપરતી વખતે ખૂબ સાવધ રહેવું જોઈએ, કારણ કે તેના ગંભીર પ્રત્યાઘાતો પડે છે.’
વધુ જાણકારી આપતા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ‘વોટ જેહાદ નવો શબ્દ પ્રયોગ છે જેનો ઊંડાણથી કરવાની જરૂર છે. કાનૂની, ભાષાકીય, સામાજિક અને ધાર્મિક પાસાંઓને ધ્યાનમાં લેવાના છે.
મુખ્ય ચૂંટણી અધિકારી અને હું સહિત ઇસીઆઈના અધિકારીઓ આનું વિશ્લેષણ કરી રહ્યા છે અને એકવાર આ તમામ પાસાની વિસ્તૃત સમીક્ષા થયા પછી અમે યોગ્ય નિર્ણય લઈશું.’ આવા વિવાદાસ્પદ શબ્દ પ્રયોગોની ચૂંટણી ચર્ચાને અસર થઈ છે કે કેમ એવો સવાલ કરવામાં આવતા કુલકર્ણીએ ઉતાવળે તારણો કાઢવા સામે ચેતવણી આપી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણીઃ ECએ 1440 VVPAT ચિઠ્ઠીની EVM સાથે કરી સરખામણી, આવું રહ્યું પરિણામ
કુલકર્ણીએ એમ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ કુલ 659 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન નોંધાયેલા 366 કેસોની તુલનામાં ખાસ્સા વધારે છે. લોકસભાની ચૂંટણી વખતે અમારી તપાસ એજન્સીએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી, જેમાં 300 ચાર્જશીટ અત્યાર સુધીમાં અદાલતમાં દાખલ કરવામાં આવી છે.’
(પીટીઆઈ)