ચૂંટણી પંચે શરદ પવાર જૂથને આપી મોટી રાહત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્ય ચૂંટણી પંચે એનસીપી શરદ પવાર જૂથને મોટી રાહત આપી છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથનું ચૂંટણી ચિન્હ ‘તુતારી વાદ્ય’ જાળવી રાખી ‘પિપાની’ અને ‘તુતારી’ ચૂંટણી ચિહ્નો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આજે એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા પત્રને પત્રકાર પરિષદમાં વાંચી સંભળાવ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચે એક પત્ર બહાર પાડીને જણાવ્યું હતું કે 30 નવેમ્બર, 2019ના જાહેરનામાના પરિશિષ્ટ 3માં સિરિયલ નંબર 172 પર મુક્ત પ્રતીક ‘બ્યુગલ’ (પિપાની) અને સિરિયલ નંબર 173 પર ‘તુતારી’ મુક્ત પ્રતીક તરીકે સ્થગિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વેણુગોપાલ અને ચેન્નીથલાએ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી
વધુ માહિતી આપતા પાટીલે જણાવ્યું હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં તુરાઈ (તુતારી) વગાડતો એક માણસ અમારું ચૂંટણી ચિહ્ન હતું. રામ કૃષ્ણ હરિનો જાપ કરો, તુરાઈ વગાડો એવી ઘોષણા અમે કરી. અલબત્ત અહીં તુરાઈ એક સંકેત સ્વરૂપે હતું, પણ કેટલાક લોકોએ ખોટી વાત ફેલાવી અને અમારું ચિહ્ન ખોટું હોવાની વાત ચગાવી. પરિણામે ઘણા લોકસભા મતવિસ્તારમાં ખોટો સંદેશ ગયો હતો.’
ત્યાર બાદ ચૂંટણી પંચે 16 જુલાઈએ એક આદેશ જારી કરી જણાવ્યું હતું કે પિપાની અને તુતારી બે અલગ અલગ ચિહ્ન છે અને તેમને સ્થગિત કરવામાં આવી રહ્યા છે. આ અમારા માટે રાહતની વાત છે. હવે અમને આશા છે કે ભારતીય ચૂંટણી પંચ પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે. મતદાનમાં ગરબડ ન થાય તેની જવાબદારી ચૂંટણી પંચની છે. આથી તેઓએ યોગ્ય નિર્ણય લેવો જોઇએ તેમ જયંત પાટીલે જણાવ્યું હતું.