ચૂંટણી પંચ સાથેની બેઠક: ભાજપે ચાલુ દિવસે મતદાનની માગણી કરી, શિવસેના અને એનસીપીએ એક જ તબક્કામાં કરાવવાની…

મુંબઈ: મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીના સંકેત શુક્રવારે મળ્યા હતા. કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યના વિવિધ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી માટે બધા જ રાજકીય પક્ષો પાસેથી તેમની ભલામણો માગવામાં આવી હતી. 288 સભ્યની વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજવામાં આવે એવી શક્યતા છે.
ભાજપે ચૂંટણી પંચને મતદાન ચાલુ (કામકાજના દિવસે) રાખવાની ભલામણ કરી હતી. જ્યારે કૉંગ્રેસે હાઉસિંગ સોસાયટીઓમાં મતદાન કેન્દ્રો રાખવાનો તીવ્ર વિરોધ કર્યો હતો.
ચૂંટણી પંચના અધિકારીઓએ દરેક પાર્ટી સાથે વ્યક્તિગત સ્તરે મુલાકાત કરી હતી. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અને અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ ચૂંટણી પંચને કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ ફક્ત એક જ તબક્કામાં આયોજિત કરવામાં આવે.
કૉંગ્રેસ તરફથી મુનાફ હકીમ અને ગજાનન દેસાઈ બેઠકમાં હાજર હતા અને તેમણે કહ્યું હતું કે હાઉસિંગ સોસાયટીઓમાં મતદાન કેન્દ્રો બનાવવાન વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસે એવી માગણી કરી હતી કે પોલીસ સ્ટેશનમાં લાંબા સમય માટે નિયુક્ત કરવામાં આવેલા કૉન્સ્ટેબલો અને સિનિયર પોલીસ અધિકારીની બદલી કરવામાં આવે.
ભાજપવતી મિહિર કોટેચા અને આશિષ શેલાર હાજર રહ્યા હતા. શેલારે એવી માગણી કરી હતી કે મેટ્રોના કામ અથવા અન્ય કામને કારણે અન્યત્ર સ્થળાંતરિત થયેલા મતદારોને મતદાન કરવાની પરવાનગી આપવામાં આવે. કોટેચાના જણાવ્યા મુજબ ભાજપે એવી માગણી કરી હતી કે એક બૂથમાં અત્યારે જે 1,500થી 1,600 મતદારો છે તે 1000થી વધુ મતદારો ન હોવા જોઈએ અને મતદાન માટે લાંબા વીકેન્ડને ટાળીને ચાલુ કામના દિવસે કરાવવામાં આવે. લાંબી કતારોને ટાળવા માટે વિલંબ ન થાય તેનું ધ્યાન રાખવું અને સિનિયર સિટિઝનો તેમ જ દિવ્યાંગોને માટે વિશેષ વ્યવસ્થા કરવાની માગણી પણ કરવામાં આવી હતી.
શિવસેના (યુબીટી) વતી હાજર રહેલા સુભાષ દેસાઈએ કહ્યું હતું કે મતદારોની સુવિધા, ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે હોવી જોઈએ. ચૂંટણી બને એટલા ઓછા તબક્કામાં પૂરી કરવી.
સત્તાધારી શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળેએ કહ્યું હતું કે મતદાન એક જ તબક્કામાં હાથ ધરવાની અને ખર્ચની મર્યાદા રૂ. 20 લાખ વધારવાની માગણી કરવામાં આવી હતી. હોર્ડિંગ લગાવવા માટે સમાન ટેક્સ વસૂલ કરવામાં આવે એવી પણ માગણી તેમણે કરી હતી. 80 વર્ષથી મોટી ઉંમરના મતદારોને ઘરેથી મતદાન કરવાની છૂટ આપવામાં આવે એવી માગણી પણ તેમણે કરી હતી.