વ્હિલચેર ન મળતાં પગપાળા જઇ રહેલા વૃદ્ધ પ્રવાસીનું મુંબઈ એરપોર્ટ પર મૃત્યુ
મુંબઈ: મુંબઇ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વૃદ્ધ પ્રવાસીએ વ્હીલચેર માટે વિનંતી કરી હતી, પણ વ્હીલચેરની ભારે માગ હોવાથી તેમને રાહ જોવાનું કહેવામાં આવતાં તેમણે ચાલતા જવાનું નક્કી કર્યું હતું. બાદમાં ઇમિગ્રેશનની પ્રક્રિયા વખતે તેઓ ઢળી પડ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.
પ્રવાસી ૧૨ ફેબ્રુઆરીએ ન્યૂ યોર્કથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ આ ઘટના બની હતી. એરલાઇનના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે એ પ્રવાસી ૮૦ વર્ષથી વધુની વયના હતા.
એર ઇન્ડિયાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વ્હીલચેર માટે એ સમયે ભારે માગ હતી. આથી પ્રવાસીને એરલાઇનના સ્ટાફની સહાય સાથેની વ્હીલચેર માટે રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પ્રવાસીએ તેમના જીવનસાથી (જેઓ વ્હીલચેર પર હતાં) સાથે પોતે પગપાળા જવાનું નક્કી કર્યું હતું.
દુર્ભાગ્યે તેઓ ઇમિગ્રેશનની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયલ લથડી હતી અને તેઓ અચાનક ઢળી પડ્યા હતા. એરપોર્ટ પર ડોક્ટરે તપાસ કર્યા બાદ તેમની સલાહ અનુસાર પ્રવાસીને ત્વરિત હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
અમે આ ઘટના બાદ મૃતકના પરિવાર સાથે સંપર્કમાં છીએ અને જરૂરી સહાય આપી રહ્યા છીએ. વિમાન પ્રવાસ સમયે અગાઉથી બૂક કરે એ બધા પ્રવાસીઓને વ્હીલચેર સહાય આપવાની સ્પષ્ટ નીતિ છે. વ્હીલચેર સહાય એરલાઇન દ્વારા અપાતી સેવા છે, એમ મુંબઈ એરપોર્ટનું સંચાલન કરતી એમઆઇએએલ દ્વારા જણાવવામાં
આવ્યું હતું.
ટર્મિનલ ખાતે વ્હીલચેર ઇન્વેન્ટરી અને માનવબળ સહાયનું વ્યવસ્થાપન પણ સંબંધિત એરલાઇન ગ્રાઉન્ડ હેન્ડલિંગ દ્વારા કરવામાં આવે છે. જો કોઇ પ્રવાસીને માગણી કરે તો એરપોર્ટ ઓપરેટર એરલાઇન સાથે સમન્વયમાં મદદ જ કરે છે, એમ અધિકારીએ કહ્યું હતું. એમઆઇએએલ દ્વારા આ અંગે કોઇ વિધિસર ટિપ્પણી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)