વ્હીલચેરના અભાવે મુંબઈ એરપોર્ટ પર 80 વર્ષના વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ

મુંબઇઃ એક દુ:ખદ ઘટનામાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વરિષ્ઠ નાગરિક, જેમને વ્હીલચેર આપવામાં આવી ન હતી, તેઓ ઈમિગ્રેશન કાઉન્ટર પર પડી ગયા હતા અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતુ. આ ઘટના સોમવારે બની હતી જ્યારે 80 વર્ષીય વડીલ વ્યક્તિ તેમની પત્ની સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ન્યૂયોર્કથી આવ્યા હતા. યુએસ પાસપોર્ટ ધરાવનાર ભારતીય મૂળના વડીલ વ્યક્તિએ તેમની અને તેમની પત્ની માટે વ્હીલચેર સુવિધા પ્રી-બુક કરી હતી. જો કે, અહેવાલ મુજબ વ્હીલચેરની અછતને કારણે દંપતીને માત્ર એક જ વ્હીલચેર મળી શકી હતી. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિની પત્ની વ્હીલચેરમાં બેઠી હતી, ત્યારે તેમણે પગપાળા તેની પાછળ જવાનું નક્કી કર્યું હતું. તેમને ઇમિગ્રેશન એરિયા સુધી પહોંચવા માટે લગભગ 1.5 કિમી ચાલવું પડ્યું હતું. ઇમિગ્રેશન કાઉન્ટર પર અચાનક હાર્ટ એટેકને કારણે તેઓ પડી ગયા હતા. તેમને મુંબઈ એરપોર્ટની મેડિકલ ફેસિલિટી પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ હાર્ટએટેકને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
વૃદ્ધ દંપતીએ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-116માં ઈકોનોમી ક્લાસમાં ન્યૂયોર્કથી મુંબઈની મુસાફરી કરી હતી, જે સોમવારે સવારે 11.30 વાગ્યે લેન્ડ થવાની હતી પરંતુ ફલાઇટ બપોરે 2.10 વાગ્યા સુધી મોડી પડી હતી. અહેવાલ મુજબ, આ ફ્લાઇટમાં 32 વ્હીલચેર પેસેન્જર્સ હતા, પરંતુ એરલાઇનનો સ્ટાફ માત્ર 15 વ્હીલચેર સાથે જ તેમની મદદ માટે એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા હતા.
દરમિયાન આ ઘટના અંગે, એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ’12મી ફેબ્રુઆરીના રોજ ન્યૂયોર્કથી મુંબઈ આવી રહેલા અમારા મહેમાનોમાંના એક વડીલ વ્હીલચેરમાં બેઠેલી તેમની પત્ની સાથે ઈમિગ્રેશન ક્લિયર કરવા જઈ રહ્યા હતા ત્યારે બીમાર પડ્યા હતા. વ્હીલચેરની ભારે માંગને કારણે, અમે પેસેન્જરને વ્હીલચેરની સહાય પૂરી પાડવામાં આવે ત્યાં સુધી રાહ જોવાની વિનંતી કરી હતી, પરંતુ તેમણે તેમની પત્ની સાથે ચાલવાનું પસંદ કર્યું હતું. તબિયત લથડ્યા પછી એરપોર્ટના ડૉક્ટરની સલાહ મુજબ વડીલ પેસેન્જરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતુ.” તેમણે ઉમેર્યું હતું કે એર ઈન્ડિયા પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે અને કોઈપણ જરૂરી સહાય પૂરી પાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
નામ જાહેર ન કરવાની શરતે એક ગ્રાઉન્ડ સ્ટાફે જણાવ્યું હતું કે એરલાઈન્સને ઘણીવાર જોવા મળે છે કે વૃદ્ધ યુગલો એરક્રાફ્ટથી એરપોર્ટ ટર્મિનલ સુધી એકલા મુસાફરી કરવામાં સહજતા નથી અનુભવતા. ઘણા વડીલોને ચાલવાની, સાંભળવાની સમસ્યા હોય છે. આવા વડીલ દંપતી જ્યારે એરક્રાફ્ટમાંથી ટર્મિનલ બિલ્ડિંગમાં જતા હોય ત્યારે એકબીજા સાથે રહેવાનું પસંદ કરે છે.”