બાંદ્રા સ્ટેશને વૃદ્ધ પ્રવાસીનું મોતઃ એમ્બુયલન્સના ડ્રાઈવરે બેદરકારી દાખવ્યાનો આરોપ
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જ્યાં એક વૃદ્ધ પ્રવાસી અસ્વસ્થ થયા પછી હોસ્પિટલ પહોંચાડવામાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે આનાકાની કરતા તેમનું મોત થયું હતું. મહારાષ્ટ્ર ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ (એમઇએમએસ)ના એમ્બ્યુલન્સ ડ્રાઇવરે મંગળવારે 70 વર્ષીય પ્રવાસીને હોસ્પિટલમાં લઈ જવાની ના પાડતા બાંદ્રા રેલવે સ્ટેશન પર તેમનું મોત થયું હતું. જોકે, બેદરકારીના અહેવાલોને રેલવે પ્રશાસન અને એમઈએમએસને નકારી કાઢ્યા હતા.
વિગતવાર આપવામાં આવેલા જવાબમાં એમઈએમએસએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ રામશંકર સિંહ (70 વર્ષ, ઉદ્યોગપતિ) તરીકે કરી હતી. ચક્કર આવવાથી રામશંકર સિંહ સ્ટેશન પર જ ઢળી પડ્યા હતા. સાંજે 5:38 વાગ્યે ‘108’ કંટ્રોલ રૂમમાં મૃતકના પુત્ર હરિમોહન સિંહનો ફોન આવ્યો હતો.
બાંદ્રા રેલવે સ્ટેશન (વાહન નંબર MH14CL1276) પર હાજર ‘108’ એમ્બ્યુલન્સને સાંજે 5:41 વાગ્યે (ઇન્સિડન્ટ આઇડી 2024122405475) સાથે રવાના કરવામાં આવી હતી. જીપીએસ રેકોર્ડ દર્શાવે છે કે એમ્બ્યુલન્સ બાંદ્રા રેલવે સ્ટેશનથી સાંજે 5:44 વાગ્યે રવાના થઈ હતી અને સાંજે 6:00 વાગ્યે હિન્દુજા હોસ્પિટલ પહોંચી હતી. ટૂંકમાં ફોન આવ્યા પછી ત્રણ મિનિટમાં જ રામશંકર સિંહ સાથે એમ્બ્યુલન્સ રવાના થઇ ગઇ હતી.
એમઈએમએસએ તેમના દાવાઓને સાબિત કરવા માટે જીપીએસ રેકોર્ડ્સ પણ પૂરા પાડ્યા હતા. બાંદ્રા પૂર્વમાં રહેતા રહેવાસી રામશંકર કપડાંના વ્યવસાયમાં હતા. પરિવાર અંતિમસંસ્કારમાં વ્યસ્ત હોવાથી તેની પ્રતિક્રિયા નહોતી જાણી શકાઈ. રામશંકર સિંહ મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ મરીન લાઇન્સથી બોરીવલી જતી લોકલ ટ્રેનમાં બેઠા હતા. ટ્રેનમાં હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. સાથી પ્રવાસી મેહુલ સંઘરાજકાએ સિંહના પુત્રનો સંપર્ક સાધ્યો હતો અને બિઝનેસમેનને બાંદ્રા સ્ટેશન પર ઉતરવામાં મદદ કરી હતી.
Also read: ખાર સબ-વે પર બનશે બ્રિજ બાંદ્રા સ્ટેશનથી જોડાશે ટર્મિનસ
સાથી પ્રવાસીના જણાવ્યા અનુસાર સિંહ એમ્બ્યુલન્સ સુધી ચાલીને જઈ શક્યા હતા, પરંતુ એમ્બ્યુલન્સ ડ્રાઇવરે ડોક્ટરની રાહ જોવામાં અને અન્ય કારણોને ટાંકીને કથિત રીતે સમય બગાડ્યો હતો. કમનસીબે રામશંકર સિંહનું હોસ્પિટલ જતા માર્ગમાં જ મોત થયું હતું. દરમિયાન પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે કહ્યું હતું કે આ અહેવાલ ગેરમાર્ગે દોરનારો છે.