અનૈતિક સંબંધની જાણ પત્નીને કરવાની ધમકી આપીને વૃદ્ધ પાસેથી રુ. 37 લાખ પડાવ્યા
મુંબઈ: કાંદિવલીમાં અનૈતિક સંબંધની જાણ પત્નીને કરવાની ધમકી આપી 60 વર્ષના વૃદ્ધ પાસેથી 37 લાખ રૂપિયા તથા કીમતી મતા પડાવવા બદલ મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓમાં વૃદ્ધના જેની સાથે અનૈતિક સંબંધ હતા એ મહિલા, તેની પુત્રી અને પુત્રીની બહેનપણીનો સમાવેશ છે.
પોલીસના જણાવ્યા અનુસાર 60 વર્ષનો ફરિયાદી કંપનીમાં કામ કરતો હોઇ તે કેટલાક મહિનાથી મહિલાના સંપર્કમાં હતો અને બાદમાં બંને વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા. દરમિયાન મહિલાની પુત્રી અને તેની બહેનપણીએ ફરિયાદીને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર 23 ઑગસ્ટે ફરિયાદીને ચાકુની ધાક દાખવી રોકડ લૂંટવામાં આવી હતી. ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન આરોપીઓએ ફરિયાદીના અનૈતિક સંબંધની જાણ તેની પત્નીને કરવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા.
જોકે 10 ડિસેમ્બરે આરોપીઓએ ફરિયાદી પાસેથી દોઢ કરોડ રૂપિયાની માગણી કરી હતી. આથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેની ફરિયાદને આધારે કાંદિવલી પોલીસે મહિલા, તેની પુત્રી અને બહેનપણી સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બહેનપણીની ધરપકડ કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.