આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

એકનાથ શિંદેનો પ્રભાવ અકબંધ: મુંબઈમાં બાળ ઠાકરેના સમય જેટલી બેઠકો મેળવવામાં સફળ

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ જેમ જેમ જામી રહ્યું છે તેમ તેમ શિવસેનાના નેતા એકનાથ શિંદેની ક્ષમતા અને શક્તિનો પરિચય મળી રહ્યો છે. રાજ્યના રાજકારણમાં અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે દેવેન્દ્ર ફડણવીસની મરજી ચાલી રહી છે અને ભાજપ દરેક બાબતમાં બંને સહયોગી પક્ષો પર હાવી થઈ રહ્યો છે. મુંબઈની બેઠકોની વહેંચણીમાં ભાજપના કેટલીક બેઠકો માટેના દુરાગ્રહ અને મહાયુતિમાં મનસેની એન્ટ્રીને કારણે એવું લાગતું હતું કે મુંબઈમાં બેઠકોની વહેંચણીમાં શિવસેનાને 2019ની સરખામણીમાં નુકસાન થશે.

વાસ્તવમાં શિવસેનાનો ગઢ મુંબઈ રહ્યો છે. બાળ ઠાકરેની શિવસેનાના સમયથી મુંબઈમાં ભાજપ અને શિવસેનાની વચ્ચે બેઠકોની વહેંચણી સમપ્રમાણ એટલે કે બંને પક્ષોને ત્રણ ત્રણ બેઠકોની રહી છે. ભાજપ પણ એવું માને છે કે મુંબઈમાં તેમનો ગઢ છે, પરંતુ બાળ ઠાકરેના સમયથી તેમને ક્યારેય મુંબઈમાં ત્રણથી વધુ બેઠકો લડવા માટે મળી નથી.

શિવસેનામાં ભંગાણ પડ્યું અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સેનાને બાળ ઠાકરેની શિવસેનાનું નામ અને ચિહ્ન પણ મળી ગયું હતું, પરંતુ વિભાજિત શિવસેના કમજોર છે એવો દાવો કરીને ભાજપના નેતાઓ દ્વારા આ વખતે મુંબઈ અને રાજ્યમાં બેઠકોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક નેતાઓ દ્વારા લાવવામાં આવેલા દબાણ સામે શિંદે ન ઝૂકતાં આખરે મામલો દિલ્હીમાં ગયો હતો અને અમિત શાહે મનસેને મહાયુતિમાં સામેલ કરવાની ગુગલી નાખી અને ફરી શિવસેનાને માટે સમસ્યા નિર્માણ થઈ હતી કે તેમની મુંબઈની બેઠકો ઘટી શકે છે. આવી સ્થિતિમાં પોતાની બધી જ કૂનેહ અને ક્ષમતાને કામે લગાવીને શિવસેનાના નેતા એકનાથ શિંદે મુંબઈમાં ત્રણ બેઠકો મેળવવામાં સફળ થયા હતા. દક્ષિણ મુંબઈની બેઠક પર ભાજપની નજર હતી તે પણ ભાજપ પાસેથી લઈ લેવામાં શિંદેને સફળતા મળી હોવાથી નાર્વેકરની મનની મનમાં રહી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બેઠક માટે મિલિંદ દેવરાને શિંદે સેનામાં લેવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી આ બેઠક પરથી ઉમેદવારની જાહેરાત થઈ નથી.

મુંબઈ દક્ષિણ મધ્યની બેઠક પરથી વર્તમાન સંસદસભ્ય રાહુલ શેવાળેને ફરી મેદાનમાં ઉતારવામાં આવશે એ બાબત તો પથ્થર પરની લકીર જેટલી સ્પષ્ટ છે.

વાયવ્ય મુંબઈની બેઠકના વર્તમાન સંસદસભ્ય ગજાનન કીર્તિકર શિંદે સેનામાં હોવા છતાં તેમને ઉમેદવારી આપી શકાય એમ નથી કેમ કે ઠાકરે સેના દ્વારા તેમના પુત્ર અમોલ કીર્તિકરને ઉમેદવારી આપવામાં આવી છે. આ બેઠક પરથી પિતા-પુત્રનો જંગ ન થાય એટલે તેમને ઉમેદવારી આપવામાં આવતી નથી. આથી જ આ બેઠક પર અમોલ કીર્તિકરને ટક્કર આપી શકે એવા સક્ષમ ઉમેદવારની તપાસ ચાલી રહી છે એમ શિવસેનાના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કેટલાક મરાઠી અભિનેતાઓ સહિત સેલિબ્રિટીઓના નામ વિચારણા હેઠળ છે. આ વિસ્તારના વર્તમાન વિધાન સભ્યોની ક્ષમતા પર પણ વિચાર થઈ રહ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button