Yogi માફક હવે Eknath શિંદે રાજ્યમાં ગુનેગારોને ભણાવશે પાઠ
![Eknath Shinde will teach criminals in the state like Yogi](/wp-content/uploads/2024/06/Eknath-Shinde-will-teach-criminals-in-the-state-like-Yogi.webp)
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાર્યવાહી માટે જાણીતા છે અને ખાસ કરીને ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર તાત્કાલિક બુલડોઝર ફેરવવાની તેમની સ્ટાઇલ પણ પ્રજા દ્વારા પસંદ કરવામાં આવે છે, જેના કારણે તેમને બુલડોઝર બાબાનું ઉપનામ પણ આપવામાં આવ્યું છે. જોકે, હવે મહારાષ્ટ્રમાં પણ ગેરકાયદે બાંધકામો અને મિલકતો પર ઉત્તર પ્રદેશની સરકારની જેમ જ ઝડપી કાર્યવાહી કરી તેમને બુલડોઝરથી ધ્વસ્ત કરી નાંખવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકાર મક્કમ છે અને ગેરકાયદે ગોરખધંધા રોકવા માટે મુખ્ય પ્રધાન શિંદેએ કમર કસી છે.
આ પણ વાંચો: થાણેમાં ગેરકાયદે પબ અને બાર તેમ જ ડ્રગ્સ વેચનારા સામે કડક કાર્યવાહી
એટલે કે યુપીમાં ગેરકાયદે કામ કરનારાઓ માટે બુલડોઝર બાબા છે તો મહારાષ્ટ્રને પણ તેમને રોકવા માટે એકનાથ શિંદેના સ્વરૂપમાં હવે બુલડોઝર દાદા મળશે. કારણ કે એકનાથ શિંદેને જનતા પ્રેમથી એકનાથ દાદા એટલે કે પોતાના મોટાભાઇ તરીકે પણ માને છે. હાલમાં જ મુખ્ય પ્રધાન શિંદેએ થાણેના પોલીસ કમિશનરને થાણે તેમ જ મીરા-ભાયંદરમાં ગેરકાયદે ચાલતા બાર તેમ જ પબ-ડિસ્કોથેક પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આદેશ આપતા શિંદેએ જણાવ્યું હતું કે ડ્રગ્ઝનું દૂષણ યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે અને તે રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે.
સમાજમાંથી દૂષણ દૂર કરવાનો, ડ્રગ્ઝ ફ્રી મહારાષ્ટ્રનો હેતુ
પુણેમાં યુવાન તેમ જ સગીર વયના કિશોર ડ્રગ્ઝનું સેવન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો ત્યારબાદ મુખ્ય પ્રધાન શિંદેએ આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને એક્શન મોડમાં આવતા સમાજ માટે દૂષણ સાબિત થઇ રહેલા ગેરકાયદે બાર અને પબ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના શહેરોને ડ્રગ્ઝના દૂષણોથી મુક્ત કરવા માટે જે પણ જગ્યાએ ડ્રગ્ઝ સંબંધિત ગતિવિધીઓ ચાલતી હોય તે સ્થળો પર બુલડોઝર ફેરવવાનો આદેશ શિંદેએ આપ્યો છે.
શિંદેના આદેશના પહેલા જ દિવસે પાંચ બાંધકામ જમીનદોસ્ત
મુખ્ય પ્રધાન તરફથી આદેશ મળતા જ થાણે પાલિકા પણ એક્શન મોડમાં આવી હતી અને શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે પબ અને બાર પર બુલડોઝર ફેરવવાની કામગિરી શરૂ કરી દીધી હતી. પહેલા જ દિવસે ગુરુવારે પાંચ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. થાણે પાલિકાએ જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાને આપેલા આદેશ બાદ આખા શહેરમાં આ કાર્યવાહી કરવામાં આવશે.