
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે 7/11 ટ્રેન બ્લાસ્ટના કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલા સ્ટેનું સ્વાગત કર્યું હતું.
21 જુલાઈએ જસ્ટિસ અનિલ કિલોર અને શ્યામ ચાંડકની બોમ્બે હાઈકોર્ટની બેન્ચે 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા અને કહ્યું હતું કે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને ‘એવું માનવું મુશ્કેલ હતું કે આરોપીઓએ ગુનો કર્યો છે.’
નીચલી અદાલત દ્વારા 12માંથી પાંચને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને સાતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મૃત્યુદંડની સજા પામેલા એક દોષીનું 2021માં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
2006ના મુંબઈ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્ટે મૂક્યો હતો.
એક્સ પરની એક પોસ્ટમાં શિંદેએ કહ્યું હતું કે, ‘આ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર. હાઈકોર્ટના ચુકાદા પછી એક પણ ક્ષણ બગાડ્યા વિના, રાજ્ય સરકારે તાત્કાલિક સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. આ માટે, રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને સંબંધિત વહીવટી અધિકારીઓને હૃદયપૂર્વકના અભિનંદન. સરકારનું પ્રતિનિધિત્વ કરનારા સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાને પણ અભિનંદન.’
આ પણ વાંચો: મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસઃ ફડણવીસે કહ્યું હાઈ કોર્ટના ચુકાદોને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું
‘તેમને (દોષીને) ફાંસી પર લટકાવવામાં આવશે. જ્યાં સુધી દોષીને કડક સજા ન મળે ત્યાં સુધી રાજ્ય સરકાર શાંત નહીં રહે,’ એમ શિંદેએ ઉમેર્યું હતું.
11 જુલાઈ, 2006 ના રોજ પશ્ચિમ લાઇન પર વિવિધ સ્થળોએ મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા સાત વિસ્ફોટોમાં 180 થી વધુ લોકો માર્યા ગયા હતા.