આમચી મુંબઈ

તુર્કીથી ફ્લાઇટ લીઝ લેવા માટે શિંદે જૂથનો વિરોધ ઇન્ડિગોને કોન્ટ્રાક્ટ રદ કરવા આપી ચેતવણી…

મુંબઈ: એકનાથ શિંદેની શિવસેનાએ શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તુર્કી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા તુર્કી પાસેથી લીઝ પર લેવામાં આવેલા બે વિમાન અને સાથે તુર્કીના કર્મચારીઓના મુદ્દે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિંદે જૂથના કાર્યકરોએ ભારતમાં તુર્કીના કર્મચારીઓની હાજરીને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવી છે.

શિવસેના (શિંદે) પાર્ટીના પ્રતિનિધિમંડળે ઇન્ડિગો એરલાઇન્સના અધિકારીઓને મળીને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. પાર્ટીએ ઇન્ડિગો એરલાઇન્સને ચેતવણી પણ આપી હતી કે જો 10 દિવસની અંદર આ સોદો રદ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. કોઈપણ સ્તરે લડવા માટે પક્ષ તૈયાર છે કારણ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે એવી રજુઆત પણ કરવામાં આવી હતી.

તુર્કીએ ભારત-પાકિસ્તાન અણબનાવમાં પાકિસ્તાનને જાહેરમાં ટેકો આપ્યો હતો. પાકિસ્તાન તરફથી તુર્કી દ્વારા બનાવવામાં આવેલા ડ્રોન દ્વારા ભારત પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તુર્કીના માલનો બહિષ્કાર કરી રહ્યા છે. પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યા બાદ આ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.

દેશભરમાં તુર્કીના સામાન સામે નારાજગી જોવા મળી રહી છે અને એનો બહિષ્કાર થઈ રહ્યો છે. ટ્રાવેલ એજન્સીઓ તુર્કી માટે અગાઉથી બુક કરાવેલ તમામ એડવાન્સ બુકિંગ પણ રદ કરી રહી છે. ભારતીય પ્રવાસીઓ તુર્કીને બદલે અન્ય દેશની પસંદગી કરી રહ્યા છે.

ઇન્ડિગો ઇસ્તંબુલની સીધી ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે, જેમાં તુર્કીશ એરલાઇન્સ પાસેથી બે બોઇંગ 777 એરક્રાફ્ટ લીઝ પર લેવામાં આવ્યા છે. આ મામલે ઈન્ડિગો એરલાઈન્સ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button