800 કરોડના દેશના સૌથી મોટા હવાલા ઓપરેટરના પ્રોજેક્ટ મામલે એકનાથ શિંદેએ કહી આ વાત, શું ઉદ્ધવ ઠાકરે તરફ કર્યો ઇશારો?

મુંબઈ: મુંબઈમાં મતદાનનો સમય નજીક આવી રહ્યો છે તેમ રાજકીય પક્ષોનો પ્રચાર પણ વધુ ઉગ્ર બનતો જાય છે અને હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ વિરોધ પક્ષો પર અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેની ગંભીર ટીકા કરી હતી.
ટીકા ઉપરાંત શિંદેએ એક ગંભીર કૌભાંડ અંગે સાંકેતિક રીતે ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું હતું અને આડકતરી રીતે તેમના તરફ ઇશારો કર્યો હતો. લખનઉમાં 200 એકરની જમીન ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા ટાંચમાં લેવામાં આવી એ બાબતે શિંદેએ ઉદ્ધવ ઠાકરે તરફ ઇશારો કર્યો હતો. આ જમીન પર નંદકિશોર ચતુર્વેદી અને તેના સાથીઓ દ્વારા એક ટાઉનશિપનું નિર્માણ કરવામાં આવનાર હતું. જોકે આર્થિક ગેરરિતિ અંગેના કાયદા અંતર્ગત આ જમીન ટાંચમાં લેવામાં આવી હતી. આ બાબતે ઉદ્ધવ ઠાકરે તરફ ઇશારો કરતા શિંદેએ જણાવ્યું હતું કે 200 એકરની જમીન પર 800 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ઊભો કરવામાં આવનાર હતો અને તેની બધી જ માહિતી મારી પાસે છે. યોગ્ય સમય આવ્યે હું આ માહિતી જાહેર કરીશ. બદલાની ભાવનાથી હું હવામાં નિવેદન નથી આપી રહ્યો. જે વસ્તુસ્થિતિ છે હું એ જણાવી રહ્યો છું.
અહેવાલ અનુસાર લખનઉની 200 એકરની જમીન ટાંચમાં લેવામાં આવી છે અને આ મિલકત દેશના સૌથી મોટા હવાલા ઓપરેટર નંદકિશોર ચતુર્વેદીની છે. 2022માં ઉદ્ધવ ઠાકરેના સાળાને મોટાપાયે કરજ(લોન) આપ્યા બાદ નંદકિશોરનું નામ ચર્ચામાં આવ્યું હતું. જે કંપનીનો ઉપયોગ નંદકિશોરે ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરને લોન આપવા માટે કર્યો હતો એ જ કંપનીનો ઉપયોગ નંદકિશોરે 200 એકર જમીન પર ટાઉનશીપ વિકસાવવા માટે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નંદકિશોર સીબીઆઇ(સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન), ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને આઇટી(ઇનકમ ટેક્સ) વિભાગના રેડાર પર છે અને તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી છે. 2022માં ઇડીને જણાયું હતું કે હમસફર ડીલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શ્રીધર પાટણકરની શ્રી સાંઇબાબા ગૃહનિર્માણ કંપનીને અસુરિક્ષિત લોન આપવામાં આવી હતી. જ્યાર બાદ ઇડી દ્વારા આ કંપનીના થાણેના નિલાંબરી પ્રોજેક્ટના 11 રહેણાંક પ્રોજેક્ટ પર ટાંચ મારવામાં આવી હતી.