આમચી મુંબઈ

BMC ચૂંટણી પરિણામ 2026: મેયરપદ માટે ઠાકરે બંધુઓ સાથે હાથ મિલાવશે એકનાથ શિંદે? કહ્યું, અમે તો…

મુંબઈઃ મુંબઈમાં પહેલી જ વખત ઠાકરે પરિવારની મદદ વિના મેયર ચૂંટવામાં આવશે એ વાત તો ગઈકાલે જાહેર થયેલાં મહાપાલિકાની ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે. શુક્રવારે રાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં એકનાથ શિંદેને મેયર પદનો હવાલો આપતા ઠાકરે બંધુઓ જો ઓફર આપે તો તમે એમની સાથે જોડાશો કે કેમ એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં શિંદેએ જે જવાબ આપ્યો એ ચોંકાવનારો છે. ચાલો જાણીએ શું કહ્યું એકનાથ શિંદેએ…

શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરસમાં મેયરપદ માટે ઠાકરે બંધુઓ સાથે યુતિ કરશો કે કેમ સવાલના જવાબમાં એકનાથ શિંદેએ જણાવ્યું કે મુંબઈ અમને મેયર પદ કે સત્તા માટે નથી જોઈએ. અમને મુંબઈગરાના જીવનમાં પરિવર્તન લાવવું છે. મુંબઈ નામને શોભે એવી દેખાવવી જોઈએ. મુંબઈગરો મુંબઈની બહાર ફેંકાઈ ગયો છે, એને પાછો મુંબઈમાં લાવવો છે.

ઝૂંપડપટ્ટીમુક્ત મુંબઈ મુંબઈ માટે રખડી પડેલાં એસઆરએના પ્રોજેક્ટ, જોખમી ઈમારતના પ્રોજેક્ટને આગળ વધારવા છે. આ માટે મહાયુતિનો જ મેયર પાલિકામાં બેસશે. મુંબઈનો વિકાસ એ જ અમારો એજન્ડા છે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે મુંબઈના નાગરિકોનો હું આભાર માનું છું. જેમણે સારું કામ કર્યું એમણે એમને જ મત આપ્યા. મતદાતાઓએ કોઈ પાર્ટી કે ઉમેદવાર નહીં પણ વિકાસને મત આપ્યો છે. સાડાત્રણ વર્ષમાં મુંબઈ માટે જે કામ થયું રેલવે, મેટ્રો, અટલ સેતુ, કોસ્ટલ રોડ વગેરેને નાગરિકોએ સમર્થન આપ્યું. આ લોકો કામ કરનારા લોકો છે એવો વિશ્વાસ આવતા મતદારોએ અમને મત આપ્યા છે.

ઠાકરે બંધુ સાથે યુતિ બાબતે વાત કરતાં શિંદેએ જણાવ્યું હતું કે અમારો એજન્ડા એકદમ સાફ-સુથરો છે. અમે બાળાસાહેબ ઠાકરેના વિચારોને આગળ વધારી રહ્યા છીએ. અમારી અને ભાજપની યુતિ કંઈ આજની નથી. અમારી વિચારધારા એક છે. વિચાધારા સાથે કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે, એવું જણાવીને ઠાકરે બંધુઓ સાથે કોઈ પણ પરિસ્થિતિમાં નહીં જઈએ એવું તેમણે સ્પષ્ટ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અને એકનાથ શિંદેની મહાયુતિને પાલિકાની ચૂંટણીમાં 122 જગ્યા પર જિત મળી છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ગઠબંધનને 69 બેઠકો પર જિત મળી છે. વાત કરીએ શિંદેની શિવસેનાની તો શિંદેસેનાને પાલિકાની ચૂંટણીમાં 26 બેઠકો પર જિત હાંસિલ કરવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો…મુંંબઈના ત્રણ ગુજરાતી વિધાનસભ્યએ રંગ રાખ્યો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button